નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, મણિપુર, ગોવા અને ઉત્તરાખંડમાં ફરીથી ભાજપની સરકાર બની રહી છે. જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. પાંચેય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના ટોચના નેતાઓએ વિશાળ જનસભા સંબોધવા સાથે રેલીઓ યોજી હતી. તેમજ પ્રજાને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કર્યાં હતા. બીજી તરફ કોંગ્રેસ, સપા અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિપક્ષે ભાજપ ઉપર આકરા પ્રહાર કરવાની સાથે બેરોજગારી, મોંઘવારી અને ખેડૂત આંદોલન સહિતના મુદ્દા ઉપર ભાજપને ઘેરવાના પ્રયાસ કર્યાં હતા. જો કે, વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષના મુદ્દા ચાલ્યા નહીં હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. જ્યારે પ્રજામાં પીએમ નરેન્દ્ર મોદીનો જાદુ હજુ અકબંધ હોવાનું મનાઈ રહ્યું છે.
રાજકીય વિશ્લેશકોના મતે ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પીએમ મોદી, અમિત શાહ, સીએમ યોગી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વિવિધ ચૂંટણીસભાઓ ગજવી હતી. પાંચેય રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં મફત રાશન અને મકાન મુદ્દે વાત કરાઈ હતી. આ ઉપરાંત પીએમ આવાસ યોજના, રાશન સ્કીમ અને ઉજ્જવલા જેવી તમામ યોજનાઓને લઈને પ્રજાની વચ્ચે ભાજપ ગયું હતું. એટલું જ નહીં સીએમ યોગીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોથી પ્રજાને માહિતગાર કર્યાં હતા. દેશના તમામ લોકોની નજર ઉત્તરપ્રદેશના પરિણામ ઉપર નજર મંડાયેલી હતી. ઉત્તરાખંડમાં ગણતરીના મહિના પહેલા જ સીએમ બદલવામાં આવ્યાં હતા. જેથી ભાજપને નુકસાન થવાનો અંદાજ હતો પરંતુ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પણ મોદી મેજીકના કારણે ભાજપને જીત મળી છે. ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપની જીતના પગલે નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે.