ગાંધીનગર જિલ્લામાં 310 પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં એકપણ વિદ્યાર્થીનો પ્રવેશ નહીં
ગાંધીનગરઃ ગુજરાતમાં નવી શિક્ષણનીતિ અંતર્ગત આ વર્ષથી જ શાળામાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થયેલી હોય એવા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે. તેની લીધે રાજ્યની ઘણીબધી શાળાઓમાં ધોરણ-1માં એકપણ બાળકનો પ્રવેશ થયો નથી. ગાંધીનગર જિલ્લાની 592 સરકારી પ્રાથમિક શાળાઓમાંથી 310માં એકપણ વિદ્યાર્થીએ ધોરણ-1માં પ્રવેશ લીધો નથી. આથી જિલ્લાની 310 શાળાઓમાં આગામી આઠ વર્ષ સુધી શિક્ષકોની વધ રહેવાથી શક્યતા છે. ઉપરાંત આગામી આઠેક વર્ષમાં અનેક સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થાય તેવી શક્યતા પણ વ્યક્ત થઇ રહી છે.
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિની અમલવારી ચાલુ વર્ષથી કરવામાં આવી છે. જેને પરિણામે ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના નિયમની અમલવારી કરવામાં આવી છે. ઉપરાંત 6 વર્ષથી નાના અને પાંચ વર્ષથી મોટા બાળકો માટે શાળામાં જ બાલવાટિકા શરૂ કરવામાં આવી છે. જોકે નવી શિક્ષણ નીતિની એકાએક અમલવારી કરતા આગામી આઠ વર્ષ સુધી ગાંધીનગર જિલ્લાની 592માંથી 310 પ્રાથમિક શાળાઓમાં એક વર્ગની ઘટ સતાવતી રહેશે. ઉપરાંત વિદ્યાર્થીઓના અભાવે શાળાઓ બંધ થવાની પણ શક્યતા રહેલી છે.
રાજ્યના કેટલાક શિક્ષણવિદોના કહેવા મુજબ નવી શિક્ષણ નીતિની અમલવારીમાં કરેલી ઉતાવળ સરકારી પ્રાથમિક શાળાઓ માટે મૃત્યુઘંટ સમાન બને રહેશે. ધોરણ-1માં વિદ્યાર્થીઓના પ્રવેશ નહી લેવાની સાથે સાથે વર્ગખંડમાં નિયત સંખ્યા કરતા ઓછા વિદ્યાર્થીઓના કારણે અનેક શિક્ષકો વધમાં પડશે. વિદ્યાર્થીઓ જ નહી હોવાથી મહેકમ મુજબ શિક્ષકોની વધ પડતા અન્ય શાળામાં બદલી કરવાની શિક્ષણ વિભાગને ફરજ પડશે. ગાંધીનગર જિલ્લાની સરકારી 310 પ્રાથમિક શાળામાં ધોરણ-1 માટે એકપણ વિદ્યાર્થીએ પ્રવેશ મેળવ્યો નથી. આથી સરકારી પ્રાથમિક શાળાના કથળતા જતા શિક્ષકના સ્તરનો પુરાવો આપી રહ્યું છે. જોકે સરકારી પ્રાથમિક શાળાના કથળતા શિક્ષણના સ્તરની પાછળ સરકારી પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય તમામ પ્રકારની કામગીરીમાંથી ફ્રી પડવા દેવામાં આવતા જ નથી. જેને પરિણામે શિક્ષકો અન્ય કામગીરીમાંથી નવરા નહી પડવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે યોગ્ય ન્યાય આપી શકતા નહી હોવાની ચર્ચા પણ શિક્ષક આલમમાં પણ જોવા મળી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગાંધીનગર જિલ્લાની 310 પ્રાથમિક શાળાઓમાં એકપણ વિદ્યાર્થીએ ધોરણ-1માં પ્રવેશ લીધો નથી. ત્યારે જિલ્લાના ચારેય તાલુકાવાઇઝ જોઇએ તો સૌથી વધુ દહેગામ તાલુકાની 134, ગાંધીનગર તાલુકાની 84, કલોલ તાલુકાની 48 અને માણસા તાલુકાની 44 પ્રાથમિક શાળાઓનો ધોરણ-1 વર્ગખંડ વિદ્યાર્થીઓ વિના સૂનો રહ્યો છે. નવી શિક્ષણ નીતિને પગલે જિલ્લાની અનેક ખાનગી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-1માં નિયત કરેલા મહેકમ મુજબ વિદ્યાર્થીઓ નહી મળવાથી વર્ગ બંધ કરવાની ફરજ પડશે. નવી શિક્ષણ નીતિને પગલે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા નહીંવત બની છે. (file photo)