અમદાવાદઃ ગુજરાતની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને નેક એક્રિડિટેશન મેળવવામાં કોઈ રસ દેખાતો નથી. પણ યુનિવર્સિટીઓ કૌભાંડો અને ગેરરીતિઓમાં અવ્વલ છે, પણ UGCના રેન્કિંગમાં એક પણ યુનિવર્સિટીને 5 સ્ટાર મળ્યા નથી. જેના કારણે હાલ ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં, રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી NAAC માટે અમાન્ય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી, વડોદરાની જગવિખ્યાત MS યુનિવર્સિટી, કે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની, બધે ભ્રષ્ટાચાર, ભરતી કૌભાંડ, પાસ કરવાનું કૌભાંડ છડેચોક ચાલી રહ્યું છે. આ સડામાંથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પણ બાકાત રહી નથી. જેને લીધે ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની છબી ખરડાઈ રહી છે. UGC દેશભરની યુનિવર્સિટીઓને NAAC એક્રિડિટેશન આપે છે. આ રેન્કિંગમાં પ્રથમ 10માં તો ઠીક, ગ્રેડમાં પણ ગુજરાતની યુનિવર્સિટીઓ ક્યાંય દેખાતી નથી. યુજીસીની વેબસાઈટમાં મુકવામાં આવેલી વિગતો મુજબ NAAC એક્રિડિટેશનમાં ગુજરાત યુનિવર્સિટી તો વેલીડ જ નથી, જયારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી અને એમએસ યુનિવર્સિટીને માન્ય ગણવામાં આવી છે, બાકી કોઈ યુનિવર્સિટીનું તેમાં નામો-નિશાન પણ નથી. એટલું જ નહીં, યુજીસીના લિસ્ટમાં ગુજરાતની એકપણ યુનિવર્સિટીને ફાઈવ સ્ટાર મળ્યા નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, UGC દ્વારા દેશભરની યુનિવર્સિટીઓને NAAC એક્રિડિટેશન આપવામાં આવે છે. આ રેન્કિંગમાં રાજ્યની એસ પી યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા એમ એસ યુનિવર્સિટીને 4 સ્ટાર અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને B++ રેન્ક મળ્યા છે. આના પરથી એટલું તો કહી જ શકાય કે ગુજરાતની યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણનું સ્તર એકદમ નબળું હોવાનું ખુદ યુજીસી પણ માની રહી છે. યુજીસી દ્વારા લાખો નહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ઉચ્ચ શિક્ષણના સ્તરને સુધારવા માટે ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટનો ગુજરાતની એક પણ યુનિવર્સિટીમાં યોગ્ય ઉપયોગ થતો નથી. યુજીસીએ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીને 2019-20ના વર્ષમાં રૂ. 105.86 કરોડની ફાળવણી કરી હતી. આમાંથી કેટલીક યુનિવર્સિટી એ તો પૂરતી ગ્રાન્ટ પણ વાપરી નથી.