- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ટોપ-200 યુનિવર્સિટીમાં પણ સ્થાન મળ્યું નથી,
- નેક ઇન્સ્પેક્શનમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ‘એ’માંથી ‘બી’ ગ્રેડ મળ્યો,
- ટોપ 100માં ગુજરાતની એકપણ કોલેજને સ્થાન ન મળ્યું
અમદાવાદઃ દેશમાં પ્રથમ ટોપ ગણાતી 100 યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્રની એકપણ યુનિવર્સિટીને સ્થાન મળ્યુ નથી. તેજાતરમાં એનઆઈઆરએફ એટલે કે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા વર્ષ 2024ની દેશની ટોપ યુનિવર્સિટીઓનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતની એકમાત્ર સરકારી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટીને ટોપ-100 યુનિવર્સિટીમાંથી 76મા ક્રમે સ્થાન મળ્યું છે. રાજ્યની અન્ય કોઈપણ યુનિવર્સિટીને ટોપ-100માં સ્થાન મળ્યું નથી. NIRF (નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર રેન્કિંગ ફ્રેમવર્ક) દ્વારા ટોપ શૈક્ષણિક સંસ્થાના રેન્કિંગ જાહેર કરાયા છે. જેમાં ઓવરઓલ, યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, કોલેજ, ફાર્મસી, મેડિકલ, લો, આર્કિટેક્ચર, ડેન્ટલ અને રિસર્ચ સામેલ છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણની માળખાકીય સુવિધા, અભ્યસક્રમ, સંશોધન વગેરે ક્ષેત્રમાં પ્રયાસો કરવા છતાંયે વર્ષ 2016થી અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 9 વર્ષમાં ક્યારેય NIRFના રેન્કિંગમાં દેશની ટોપ-100 યુનિવર્સિટીમાં સ્થાન મળ્યું નથી. વર્ષ 2024ના રેન્કિંગમાં પણ એક સમયની ‘એ’ ગ્રેડ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ટોપ-200 યુનિવર્સિટીમાં પણ સ્થાન મળ્યું નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરોની અછત, રિસર્ચ, પેટન્ટ, ફેકલ્ટી-સ્ટુડન્ટ રેશિયો સહિતના અનેક મુદ્દે પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હોવાને કારણે જ ટોપ-200 યુનિવર્સિટીમાં પણ સ્થાન મળી શક્યું નથી. ઉલ્લેખનીય છે કે, નેક ઇન્સ્પેક્શનમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ‘એ’માંથી ‘બી’ ગ્રેડ મળ્યો હતો.
એનઆઈઆરએફના 2024ના રેન્કિંગમાં ટોપ-100માં ગુજરાતની એકપણ કોલેજને પણ સ્થાન મળ્યું નથી. જ્યારે 101થી 150ની રેન્કિંગ કેટેગરીમાં રાજકોટની વિરાણી સાયન્સ કોલેજ અને અમદાવાદની સેન્ટ ઝેવિયર કોલેજને સ્થાન મળ્યું છે. જ્યારે 201થી 300 રેન્કની કેટેગરીમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર એડવાન્સ સ્ટડીઝ એન્ડ રિસર્ચ-વલ્લભવિદ્યાનગર, એમ.જી.સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ-અમદાવાદને સ્થાન મળ્યું છે. રાજકોટની વિરાણી સાયન્સ કોલેજ સિવાય એકપણ કોલેજને NIRF-2024ના રેન્કિંગમાં સ્થાન મળ્યું નથી.
#SaurashtraUniversityRanking #NIRF2024 #UniversityRankings #GujaratEducation #EducationStandards #AcademicPerformance #SaurashtraUniversity #TopUniversities #CollegeRankings #GujaratColleges