આર્થિક સંકટ સહિતની સમસ્યા માટે ભારત કે અમેરિકા નહીં પરંતુ પાકિસ્તાન ખુદ જવાબદારઃ નવાઝ શરીફ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ હાલ પાકિસ્તાનમાં છે અને 2024 માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં સરકાર બનાવવા માટે વર્તમાન સરકારને નિશાન બનાવી રહ્યા છે. દરમિયાન એક જાહેર સભામાં તેમણે પાકિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
નવાઝ શરીફે દેશમાં આર્થિક સંકટને લઈને અગાઉની ઈમરાન સરકાર અને સેનાને આડેહાથ લીધી હતી. તેમનું નામ લીધા વિના સેના પર પ્રહાર કરતા કહ્યું હતું કે, રોકડની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સમસ્યાઓ માટે ન તો ભારત જવાબદાર છે કે ન તો અમેરિકા, બલ્કે આપણે પોતે જ પગમાં ગોળી મારી છે.
ચોથી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બનવાનું સપનું જોઈ રહેલા 73 વર્ષના નવા શરીફે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના ટિકિટના દાવેદારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, તેમને ત્રણ વખત 1993, 1999 અને 2017માં સત્તા પરથી હટાવવામાં આવ્યો હતો.
નવાઝ શરીફે કહ્યું, “પાકિસ્તાનની આજે જે સ્થિતિ છે તેના માટે ભારત, અમેરિકા કે અફઘાનિસ્તાન જવાબદાર નથી. વાસ્તવમાં, અમે પોતાને પગમાં ગોળી મારી દીધી છે… તેઓએ (સેના) 2018ની ચૂંટણીમાં ધાંધલધમાલ કરી અને આ દેશ પર ચૂંટાયેલી (સરકાર) થોપી દીધી, જેના કારણે સામાન્ય લોકો પરેશાન થયા અને અર્થવ્યવસ્થાની સ્થિતિ બગડી.’ ‘
આ દરમિયાન નવાઝ શરીફે દેશની અદાલતો પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે તેઓ બંધારણનો ભંગ કરે છે, ત્યારે ન્યાયાધીશો તેમને (લશ્કરી સરમુખત્યારો) માળા પહેરાવે છે અને તેમના શાસનને કાયદેસર બનાવે છે. જ્યારે વડા પ્રધાનની વાત આવે છે, ત્યારે ન્યાયાધીશો તેમને પદ પરથી દૂર કરવાની મંજૂરી આપે છે. ન્યાયાધીશો પણ સંસદ ભંગ કરવાના કાર્યને મંજૂરી આપે છે…શા માટે?’