Site icon Revoi.in

માત્ર અમીરો જ નહીં પણ દરેક વર્ગને સુવિધા મળવી જોઈએ, સારી સુવિધા 21મી સદીના ભારતની આવશ્યકતા છેઃ મોદી

Social Share

ગાંધીનગરઃ નવા ભારતના વિકાસની ગાડી બે પાટા પર એક સાથે ચાલીને આગળ વધશે. એર પાટો આધૂનિકતાનો, અને બીજો પાટો ગરીબ ખેડુત કલ્યાણનો છે. સારી સુવિધા 21મી સદીના ભારતની આવશ્યકતા છે. ગુજરાત અને દેશના વિકાસ કાર્યો વચ્ચે કોરોના મહામારીનું ધ્યાન પણ રાખવાનું છે. રેલવેના નવા રિફોર્મની જરૂર હતી. અમે રેલવેને સર્વિસ તરીકે નહીં પણ એસેટ તરીકે વિક્સાવવાનું કામ શરૂ કર્યું અને આજે પરિણામ મળી ગયું છે.માત્ર અમીરો જ નહીં પણ દરેક વર્ગને સુવિધા મળવી જોઈએ. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે એક્વાટિક અને રોબોટિક ગેલેરી તેમજ ગાંધીનગરમાં અપગ્રેડ કરવામાં આવેલું રેલવે સ્ટેશન તથા 5 સ્ટાર હોટલ તથા વડનગરના રેલવે સ્ટેશનનું  વર્ચ્યુઅલી લોકાર્પણ કરતા જણાવ્યું હતું.

વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં બેઠા બેઠા વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી. વડાપ્રધાને  અંદાજે 1200 કરોડના વિકાસકાર્યોનું એકસાથે વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ સૌને મજામાં છોને કહીને સંબોધન શરૂ કર્યું હતું. તેમણે સંબોધન કરતા જણાવ્યું હતું કે નવા ભારતની નવી ઓળખમાં આજે વધુ એક કડી જોડાઈ રહી છે. હું તક મળે ત્યારે પોતે આ પ્રોજેક્ટ્સને જોવા રૂબરૂ આવીશ. આજે દેશમાં એવા ઈન્ફ્રાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું એક કેરેક્ટર છે. એક સમયે સાબરમતી નદીના હાલ કેવા હતા? આજે એક પ્રકારથી આખી ઈકો સિસ્ટમ બદલાઈ ગઈ છે. સાયન્સ સિટી એક એવો પ્રોજેક્ટ્સ છે જે રિક્રિએશન અને ક્રિએટિવીટીને એકબીજા સાથે સાંકળે છે. આમાં ખેલકૂદ છે, મોજમસ્તી છે અને બાળકોને કંઈક નવું શીખવે છે. બાળકો માતા-પિતા પાસે અવનવા રમકડાની જીદ્દ કરે છે. ડાયનોસોર માગે છે, પણ તેના વિકલ્પ સાયન્સ સિટીમાં મળે છે. એક્વેટિક ગેલરી તો એશિયાની ટોપ એક્વેરિયમમાંની એક છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, 35 વર્ષ પછી ગાંધીનગર સ્ટેશનની કાયાપલટ થઈ છે. 2 નવી ટ્રેન આજથી શરૂ થવા જઈ રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે વિકાસની ગતિ ધીમી પડી ગઈ હતી. ગુજરાતના વિકાસને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા સુધી પ્રધાનમંત્રીની વિકાસયાત્રા આગળ ધપી રહી છે. ગાંધીનગર વિશ્વ વિખ્યાત બનશે તેનો અમને આનંદ છે. આપણે સૌએ સાથે મળીને વિકાસ યાત્રાને અવિરત રાખવાની છે. કોરોનાકાળ જેવા મુશ્કેલ સમયમાં પણ વિકાસ કાર્યોને અટકવા દીધા નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક સપનું હતું કે ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધીની કનેક્ટિવિટી વધુ સુલભ બને. આ સપનું સાકાર થવા જઈ રહ્યું છે.ગાંધીનગરને મળી રહ્યું છે રિડેવલપ્ટ ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન  આધુનિક સ્ટેશનની ટોચ પર છે 318 રૂમથી સજ્જ 5 સ્ટાર બિઝનેસ હોટલ પણ બનાવવામાં આવી છે.