ભારતમાં ક્રિકેટને હંમેશા શ્રેષ્ઠ રમત માનવામાં આવે છે. આ ગેમને લઈને ભારતીયોમાં એક અલગ જ જુસ્સો જોવા મળી રહ્યો છે. દેશને 1947માં આઝાદી મળી હોવા છતાં, ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની પ્રથમ ટેસ્ટ મેચ 1932માં જ રમી હતી. ઘણીવાર, ભારતીય ક્રિકેટના ચાહકોને આ રમત સાથે સંબંધિત આંકડાઓ જાણવામાં ખૂબ જ રસ હોય છે. હવે તમારા મનમાં એ વાત આવી હશે કે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી બેવડી સદી ફટકારનાર ભારતીય કોણ છે. સચિન તેંડુલકર કે સુનિલ ગાવસકરે સૌથી પ્રથમ બેસડી સદી નથી ફટકારી પરંતુ લગભગ 70 વર્ષ પહેલા પોલી ઉમરીગરે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી. ત્યારબાદ તે આ ફોર્મેટમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા હતા. તેમના પહેલા કોઈ ભારતીય આ સિદ્ધિ મેળવી શક્યા ન હતા.
ભારતીય ક્રિકેટ ટીમે 25 જૂન 1932ના રોજ લોર્ડ્સમાં તેની પ્રથમ ટેસ્ટ મેચ રમી અને ભારત ટેસ્ટ ક્રિકેટ રમનાર છઠ્ઠો દેશ બન્યો. આજે ભલે ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં પ્રભુત્વ ધરાવે છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારવામાં ભારતને 23 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો. પોલી ઉમરીગરને દેશ માટે પ્રથમ બેવડી સદી ફટકારવાનો શ્રેય છે. વિરાટ કોહલી અને સચિન તેંડુલકર પહેલા સુનીલ ગાવસ્કરે ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં પોતાના બેટથી ઘણા રેકોર્ડ બનાવ્યા હતા, પરંતુ તેમના પહેલા મોટાભાગના રેકોર્ડ પાઉલી ઉમરીગરના નામે હતા. તેમણે ભારત માટે પ્રથમ વખત બેવડી સદી ફટકારી હતી. તેણે 20 નવેમ્બર 1955ના રોજ ન્યૂઝીલેન્ડ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી.