મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઉદ્ધવ ઠાકરેની સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયેલા છે. દરમિયાન નારાજ એકનાથ શિંદે સહિતના શિવસેનાના નારાજ ધારાસભ્યોના જૂથે શિવસેનાને અમે નહીં પરંતુ એનસીપીએ હાઈજેક કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હોવાનું જાણવા મળે છે.
શિવસેનાના નારાજ ધારાસભ્ય જૂથના કેસરકરએ જણાવ્યું હતું કે, અમે શિવસેના છીએ અને રહીશે, અમે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી. અમારી પાસે સ્પષ્ટ બહુમતી છે. અમે શિવસેનાની ટીકીટ ઉપર જીતીને ધાસાસભ્ય બન્યાં હતા. અમે બાલા સાહેબ ઠાકરેના બતાવેલા માર્ગ ઉપર ચાલી રહ્યાં છીએ. અમારો પ્રસ્તાવ ડેપ્યુટી સ્પીકરે ફગાવી દીધો છે તે અંગે કાનૂની કાર્યવાહી કરવા માટે વિચારણા ચાલી રહી છે અને પાર્ટી તથા ધારાસભ્ય પદ અંગે ચૂંટણીપંચ કરશે તે કરીશું. અમે પાર્ટીના નેતા તરીકે એકનાથ શિંદેની પસંદગી કરી છે, હવે આગળ શું કરવું તે અમારા લીડર એકનાથ શિંદે નક્કી કરશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ધારાસભ્યોની નારાજગી કોંગ્રેસ અને એનસીપી સામે છે. શિવસેનાને અમે હાઈજેક કરી નથી પરંતુ પાર્ટીને શિવસેનાએ હાઈજેક કરી છે. મહારાષ્ટ્રમાં શિવસેનાના કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે અને તોડફોડ કરી રહ્યાનું જાણવા મળે છે પરંતુ કાર્યકરોએ આમ કરવાની કોઈ જરૂર નથી, અમે શિવસેના સાથે હતા અને છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેનાના 56 ધારાસભ્યો જીત્યાં હતા. જે પૈકી એક ધારાસભ્યનું અવસાન થતા બેઠક ખાલી પડી હતી. હાલ શિવસેના પાસે 55 ધારાસભ્યો છે. જે પૈકી 38 ધારાસભ્યોએ બળવો કર્યો છે અને આ ધારાસભ્યો ગુવાહાટીમાં છે. એટલું જ નહીં નવ જેટલા અપક્ષ ધારાસભ્યોએ પણ તેમને સમર્થન જાહેર કર્યું છે.