અમદાવાદઃ શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને પતંગપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો કે, આ વર્ષે કોરોના મહામારી વચ્ચે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવશે. જો કે, ઉત્તરાયણની ઉજવણીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત રહેશે. આ અંગે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ રસ્તા ઉપર અને ફુટપાથ ઉપર પતંગ ચગાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરના જાહેરનામા અનુસાર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાની શહેરીજનોને તાકીદ કરવામાં આવી છે. ઉત્તરાયણ સંદર્ભે 16મી જાન્યુઆરીની મધરાત સુધી અમલમાં રહેનારા જાહેરનામા મુજબ જાહેર રસ્તાઓ, ફૂટપાથ અને ભયજનક ધાબાઓ પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત આસપાસના લોકને અગવડતા થાય તેવી રીતે લાઉડસ્પીકર વગાડવા પર તેમજ લાગણી દુઃભાય તેવા લખાણો લખેલી પતંગ ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કપાયેલા પતંગો લૂંટવા દોડાદોડી કરવા પર, જાહેર રસ્તા પર ગાય તેમજ અન્ય પશુઓને ઘાસચારો ખવડાવવા પર, ટેલિફોન અને વીજળીના તાર પર ફસાયેલી પતંગો લેવા માટે લંગર કે વાંસડાઓનો ઉપયોગ, ચાઇનીઝ દોરી-તુક્કલના ખરીદ-વેચાણ અને ઉપયોગ ન કરવાની સૂચના પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે.