Site icon Revoi.in

ગાંધીનગરમાં પૂર્વ મંત્રીઓના સ્ટાફ ક્વાર્ટર્સ ખાલી કરતા ન હોવાથી 150ને નોટિસ

Social Share

ગાંધીનગરઃ પાટનગરમાં તત્કાલિન વિજય રૂપાણી સરકારના મંત્રીઓના પીએ સહિત સ્ટાફને સરકારી ક્વાટર્સ ફાળવવામાં આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત આખું મંત્રીમંડળ બદલાઈને નવું મંત્રીમંડળ બની ગયું. મુખ્યમંત્રી તથા મંત્રીઓના સરકારીથી માંડીને સીધી ભરતીઓના કર્મચારીઓ બદલાઈ ગયા, પણ હજી  પૂર્વ મંત્રીઓના સ્ટાફના કર્મચારીઓએ સરકારી મકાન ખાલી ન કરતા પાટનગર યોજના વિભાગે તેમની સામે નોટિસો કાઢી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ધારાસભ્યો કે સાંસદો પૂર્વ બની ગયા બાદ પણ સરકારી મકાનો ખાલી કરતા ન હોવાના સમાચારો આવતા હોય છે પણ ગાંધીનગરમાં તો પૂર્વ મંત્રીઓના સ્ટાફને ફાળવાયેલા સરકારી મકાનો પણ ખાલી કરતા ન હોવાથી અંદાજે 150 કર્મચારીને મકાન ખાલી કરવા નોટિસ અપાઈ છે. નવા મંત્રીઓના સ્ટાફે હવે મળવાપાત્ર સરકારી આવાસો માટે અરજી સહિતની પ્રક્રિયા શરૂ કરી છે, ત્યારે જો જૂના કર્મચારીઓ મકાન ખાલી નહીં કરે તો સરકારી મકાનો માટેનું વેઇટિંગ વધશે તે નક્કી છે. બીજી તરફ સીધી ભરતીના કર્મચારીઓ જો જલદી મકાન ખાલી ન કરે તો કેવાં પગલાં લેવાશે, તે પણ પ્રશ્ન છે. કારણ કે સીધી ભરતીના કર્મચારીને પેન્શન કે અન્ય કોઈ લાભો મળવાપાત્ર નથી, જેથી તેઓના આવા લાભો પણ રોકી શકાય તેમ નથી. હવે આવા કર્મચારીઓ પાસેથી ભાડું કઈ રીતે વસૂલાશે, તે પણ એક સવાલ છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સરકારી કર્મચારી, નિવૃત્તિ, બદલીના કિસ્સામાં જો લાંબા સમય સુધી મકાન ખાલી ન થાય તો છેલ્લે મકાનનો કબજો મેળવવા પાટનગર યોજના વિભાગ દ્વારા ઇવિક્શન કોર્ટ કેસ પણ દાખલ કરાય છે. મકાન ખાલી ન કરવાના 2019 પહેલાના કિસ્સામાં આવા 80 ઇવિક્શન કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે. ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને રહેવા માટે આવાસો બનાવેલા છે, જેમાં અનેક મકાનો નિવૃત્તિ, અવસાન અને બદલીના કિસ્સામાં કર્મચારીઓ ખાલી કરતા નથી. હાલની સ્થિતિએ આવાં 300થી વધુ મકાનો હોવાનું કહેવાય છે. નિવૃત્તિ-બદલી સહિતના કિસ્સામાં અનેક કર્મચારીઓને સરકારી આવાસ છૂટતાં હોતાં નથી. બીજી તરફ આવાસ મેળવવા અંદાજે હાલ 3 હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ હોવાનું કહેવાય છે. આ સિવાય પણ અનેક કર્મચારીઓ વર્ષો જૂના જર્જરિત થઈ ગયેલાં મકાનોમાં રહેવા મજબૂર છે, જેને પગલે હવે પાટનગર યોજના વિભાગ દ્વારા મકાનો ખાલી ન કરતા કર્મચારી-પેન્શનર્સ સામે કડક કાર્યવાહી કરાશે.