રાજકોટઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના 17 જેટલા મૂલ્યાંકન કેન્દ્રો પર પેપરોની તપાસણી શરુ કરવામાં આવી છે. પરંતુ મૂલ્યાંકન કેન્દ્રો ઉપર હજુ અડધોઅડધ શિક્ષકો પેપરોની તપાસણી માટે હાજર થયા ન હોય પેપરોની તપાસણીની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. પેપર તપાસણીમાં ગુટલી મારનારા વધુ 230 જેટલાં શિક્ષકોની શાળાઓને નોટીસ ફટકારી ખુલાસા પુછવામાં આવ્યા છે. તેમજ આ મામલે મૂલ્યાંકન કેન્દ્રોનાં સંચાલકો દ્વારા શિક્ષણ બોર્ડને પણ જાણ કરી દેવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ધો.10 અને 12ના મૂલ્યાંકન કેન્દ્રો પર પેપર તપાસણીમાં હાજર નહીં રહી ગુટલી મારનારા શિક્ષકો અને સ્કૂલ સામે કડક પગલા લેવાનો નિર્દેશ પણ શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવ્યો છે. આ સંદર્ભે રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી ભરતભાઈ કૈલાએ જણાવ્યું હતું કે, રાજકોટની શાળાઓનાં અંદાજે 4800 જેટલા શિક્ષકોનાં બોર્ડના પેપરોની તપાસણી માટે ઓર્ડરો ઇસ્યુ કરાયા છે. જેમાંથી અડધોઅડધ શિક્ષકો પેપરોની મૂલ્યાંકન કામગીરી માટે હાજર થયા નથી.આવા 230 જેટલાં શિક્ષકોની શાળાઓને નોટીસો ફટકારી તેઓની પાસે ખુલાસા માગવામાં આવ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની ચાર જેટલી ખાનગી શાળાઓનાં શિક્ષકોના ઓર્ડર મૂલ્યાંકન માટે બોર્ડે કાઢેલ હોવા છતાં આ ચારેય શાળાઓમાંથી એક પણ શિક્ષક પેપર તપાસણી માટે હજુ હાજર થયા નથી. પેપર તપાસણી માટે હાજર નહીં થનારા શિક્ષકો અને તેઓની શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. જે શાળાઓને નોટીસો ફટકારવામાં આવી છે તેઓનાં જવાબ રજૂ થયા બાદ શિક્ષણ બોર્ડ શિક્ષાત્મક પગલા લેવા માટેનું શસ્ત્ર ઉગામશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડનાં આ પેપરોની મૂલ્યાંકન કામગીરી આગામી તા. 5 સુધીમાં પૂર્ણ કરી દેવા માટે આદેશ અપાયેલો છે. જેમાં અર્થશાસ્ત્રનાં પેપરોનું મૂલ્યાંકન પૂર્ણ પણ કરી દેવાયું છે. રાજકોટ શહેરની ભૂષણ, સ્વામિનારાયણ ગુરુકુળ, નવયુગ, બારદાનવાલા, સરદાર પટેલ સહિતની સ્કૂલોના મૂલ્યાંકન કેન્દ્રો પર અડધોઅડધ શિક્ષકો હાજર ન થતાં આ બાબતે શિક્ષણ બોર્ડને પણ રિપોર્ટ કરાયો છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધો. 10-12ના પેપરોની તપાસણી માટેનાં ઓર્ડરો કાઢવામાં શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે પણ ભૂલ કરવામાં આવી છે. જેમાં જે શિક્ષકો નિવૃત થયા છે તેઓના પણ મૂલ્યાંકન કામગીરી માટેના ઓર્ડરો ઇસ્યુ થતાં આ પ્રકરણ શિક્ષણ જગતમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. સાથોસાથ વેરાવળ, જૂનાગઢ અને સોમનાથ વિસ્તારની શાળાઓના શિક્ષકોને પોતાનાં જ વિસ્તારનાં મૂલ્યાંકન કેન્દ્રો પર પેપર તપાસણી માટે મૂકવાના બદલે આ શિક્ષકોને પેપર તપાસણી માટે રાજકોટના મૂલ્યાંકન કેન્દ્રો પર મુકવામાં આવતા આવા શિક્ષકો શિક્ષણ બોર્ડ સામે નારાજગી વ્યાપી જવા પામી છે. આ ઉપરાંત બોર્ડ દ્વારા અમુક ઓર્ડરોમાં મદદનીશ શિક્ષકોના બદલે આચાર્યોના નામના ઓર્ડર કાઢવામાં આવતા હોબાળો મચી જવા પામેલ છે.