જગન્નાથ પુરીના દર્શને જતા ભક્તો માટે સૂચના: ફાટેલા જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ કપડા પહેરવા પર પ્રતિબંધ
- જગન્નાથ મંદિરમાં ભક્તો માટે ‘ડ્રેસ કોડ’ લાગુ કરાશે
- 1 જાન્યુઆરીથી ‘ડ્રેસ કોડ’ કરવામાં આવશે લાગુ
- ફાટેલા જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ કપડા પહેરવા પર પ્રતિબંધ
ભુવનેશ્વર: ઓડિશાના પુરીમાં સ્થિત 12મી સદીના જગન્નાથ મંદિરમાં ભક્તો માટે 1 જાન્યુઆરીથી ‘ડ્રેસ કોડ’ લાગુ કરવામાં આવશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે સોમવારે કહ્યું કે મંદિરમાં કેટલાક લોકો ‘અભદ્ર’ પોશાકમાં જોવા મળ્યા બાદ ‘નીતિ’ ઉપ-સમિતિની બેઠકમાં ભક્તો માટે ‘ડ્રેસ કોડ’ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રી જગન્નાથ મંદિર પ્રશાસનના વડા રંજન કુમાર દાસે કહ્યું, “મંદિરની ગરિમા અને પવિત્રતા જાળવવાની અમારી જવાબદારી છે.”
કમનસીબે, કેટલાક લોકો બીજાની ધાર્મિક ભાવનાઓની પરવા કર્યા વિના મંદિરમાં આવે છે.” તેમણે કહ્યું, ”કેટલાક લોકો મંદિરમાં ફાટેલા જીન્સ, સ્લીવલેસ કપડા અને હાફ પેન્ટ પહેરીને જોવા મળ્યા હતા જાણે તેઓ બીચ પર હોય અથવા બગીચામાં ફરતા હોય. ભગવાન મંદિરમાં રહે છે, મંદિર મનોરંજન માટેનું સ્થળ નથી.” તેમના મતે, મંદિરની મુલાકાત માટે સ્વીકાર્ય પોશાક અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. દાસે કહ્યું, “મંદિરમાં 1 જાન્યુઆરી, 2024 થી ‘ડ્રેસ કોડ’ લાગુ કરવામાં આવશે.
મંદિરના ‘સિંહ દ્વાર’ ખાતે તૈનાત સુરક્ષા કર્મચારીઓ અને મંદિરની અંદરના પ્રતિહારી સેવકોને ડ્રેસ કોડ લાગુ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.તેમણે કહ્યું કે મંદિર પ્રશાસન ભક્તોને ‘ડ્રેસ કોડ’ વિશે જાગૃત કરશે. દાસે કહ્યું કે હાફ પેન્ટ, શોર્ટ્સ, ફાટેલી જીન્સ, સ્કર્ટ અને સ્લીવલેસ કપડાં પહેરેલા લોકોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.