જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પ્રતિબંધ પર દિલ્હી મહિલા આયોગની ઇમામને નોટિસ, પ્રતિબંધ હટાવાયાની ચર્ચા
નવી દિલ્હી : દિલ્હીની જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર રોક લગાવવા માટે, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ દ્વારા જામા મસ્જિદના ઈમામને નોટિસ આપવામાં આવી છે. નોટિસ આપતાં તેમણે કહ્યું કે આ ખૂબ જ શરમજનક અને તદ્દન ગેરબંધારણીય કૃત્ય છે. દરમિયાન મહિલાઓના પ્રવેશ ઉપર લગાવવામાં આવેલો પ્રતિબંધ પરત લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે.સકસેનાએ સમગ્ર મામલે હસ્તક્ષેપ કર્યો હતો. ઉપરાજ્યપાલે મસ્જિદના શાહી ઈમામ બુખારીને ફોન કર્યો હતો, તમેજ મહિલાઓના પ્રવેશના પ્રતિબંધને પરત લેવા માટે અપીલ કરી હતી.
નોટિસ આપતાં તેમણે જણાવ્યું કે, ‘આજે શાહી ઈમામે દિલ્હીની જામા મસ્જિદમાં એક બોર્ડ લગાવ્યું હતું કે, હવેથી જામા મસ્જિદમાં મહિલાઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમને શું લાગે છે કે આ દેશ ભારત નથી, ઈરાન છે? અહીં તેઓ મહિલાઓ સાથે સરેઆમ ભેદભાવ કરશે અને કોઈ કંઈ કરશે નહીં? સ્ત્રીઓને પણ ઈબાદત કરવા માટે પુરુષો જેટલો જ હક છે. આ રીતે મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો કોઈને અધિકાર નથી.”
અધ્યક્ષે વધુમાં કહ્યું કે, આ તાલિબાની કૃત્ય માટે દિલ્હી મહિલા આયોગે દિલ્હીના શાહી ઈમામને નોટિસ પાઠવી છે. આયોગ કોઈપણ ભોગે આ પ્રતિબંધને દૂર કરાવીને જ રહેશે. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે જામા મસ્જિદના ગેટ પર એક નોટિસ ચોંટાડવામાં આવી છે, જેમાં ઉર્દૂ અને હિન્દી બંને ભાષામાં લખવામાં આવ્યું છે કે, હવેથી મસ્જિદમાં એકલી છોકરી અથવા છોકરીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આ અંગે જામા મસ્જિદ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય ધાર્મિક મર્યાદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. પરિવારની સાથે મહિલાઓ અથવા છોકરીઓ પહેલાંની જેમ જ મસ્જિદમાં આવી શકે છે, તેમના પર કોઈ પ્રતિબંધ નથી.
(ફોટો: ફાઈલ)