ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા 81 ચીની નાગરિકોને દેશ છોડવા નોટિસ
નવી દિલ્હીઃ સરહદ મુદ્દે ચીનની સેનાએ ભારતીય જવાનો ઉપર કરેલા હુમલા બાદ બંને દેશ વચ્ચે સંબંધમાં ખટાશ આવી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા અનેક ચીની કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. દરમિયાન નિયમોનું ઉલ્લંધન કરીને ગેરકાયદે રીતે ભારતમાં રહેતા 81 ચીની નાગરિકોને ભારત છોડવા માટે નોટિસ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. નોઈડામાં પોલીસે તાજેતરમાં અનેક ચીની નાગરિકોને વીઝાની મુદ્દત પતી હોવા છતાં પણ ભારતમાં ગેરકાયદેસર રહેતા હોવાના આરોપમાં પકડી પાડ્યાં હતા.
કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષ દરમિયાન 81 ચીની નાગરિકોને ભારત છોડવાની નોટિસ આપવામાં આવી છે. જ્યારે 117 લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ સિવાય 726 લોકોને વીઝાની શરતોના ઉલ્લંઘન તેમજ અન્ય નિયમોના ભંગ બદલ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા ચીની નાગરિકો તેમજ અન્ય લોકો પર સરકાર સતત કાર્યવાહી કરતી રહી છે. ભારત સરકાર સમયાંતરે નોકરી તેમજ અન્ય કામ માટે ભારત આવેલા અને વીઝા એક્સપાયર થયા બાદ પણ અહીં રોકાઈ રહેતા વિદેશી નાગરિકો પર કાર્યવાહી કરતી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નોઈડા પોલીસે કેટલાક ચીની નાગરિકોને ઝડપી પાડ્યા હતા. જેઓ વીઝા સમાપ્ત થયા હોવા છતાં ગેરકાયદેસર દેશમાં રહેતા હતા. આ તમામ નોકરી માટે ભારત આવ્યા હતા અને વીઝા એક્સપાયર થયા છતાં અહીં રોકાયા હતા.