ગાંધીનગરઃ શહેરમાં ઘણાબધા રહિશો અને ઓફિસો સહિત ઘણા દુકાનદારોનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે. આથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રહેણાક-બિન રહેણાકમાં મિલકતવેરો નહીં ભરનાર 1532 એકમોને નોટિસ અપાઈ હતી. જેમાં બાકીદારોને 15 દિવસમાં વેરો ભરપાઈ કરવાનો સમય અપાયો હતો. નોટિસ આપ્યા બાદ પણ મિલકવેરો નહીં ભરનાર 158 વાણિજ્ય એકમોનું જાન્યુઆરી મહિનામાં ટાંચ અને જપ્તીનું વોરંટ કાઢવામાં આવ્યું હતું. જેમાંથી મ્યુનિ. દ્વારા 25 જેટલી મિલકતો સીલ કરવામાં આવી હતા અને સ્થળ પર 2.26 કરોડ જેટલી વસૂલાત કરવામાં આવી હતી.
પાટનગર એવા ગાંધીનગર શહેરમાં ઘણાબધા મિલ્કત ધારકો મિલ્કતવેરો ભરવામાં આળસ દાખવતા હોય છે. વારેવાર નોટિસો અને રિમાઈન્ડર કરવા છતાં મિલ્કતવેરો ન ભરતાં ધારકો સામે સિલિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે,નોટિસો તથા ટાંચ-જપ્તની સિલિંગની કાર્યવાહી દરમિયાન મ્યુનિ,કોર્પોરેશનને કુલ 3.38 કરોડની વસૂલાત થઈ હતી. ડિસેમ્બર-2022 સુધીમાં મનપાને મિલકતવેરાની કુલ 40.24 કરોડની આવક થઈ હતી. જ્યારે જાન્યુઆરી મહિનામાં કુલ 2.38 કરોડની આવક થતાં 31 જાન્યુઆરી 2023 સુધીમાં વેરાની કુલ આવક 42.66 કરોડ પહોંચી છે. તંત્ર દ્વારા હાલ મિલકતવેરાની સિલિંગ ઝુંબેશ ચાલુ છે. જેથી જે મિલકતધારકોનોને સીલિંગથી બચવા સત્વરે મિલકતવેરો ભરવા અપીલ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારમાં નવા-જૂના વિસ્તાર મળીને રેસિડેન્ટ તથા કોમર્શિયલ મળીને 1.74 લાખ જેટલી પ્રોપર્ટી છે. જોકે આ પ્રોપર્ટીમાંથી પાટનગર યોજના વિભાગ હસ્તક આવતી પ્રોપર્ટીનો ટેક્સ મ્યુનિ.ને મળતો નથી. ગાંધીનગર કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સના બાકી લેણા માટે નાગરિકોને નોટિસો આપીને વેરો વસૂલ કરવામાં આવે છે. ત્યારે મ્યુનિ. કોર્પોરેશનને પોતાના વિસ્તારમાં આવેલી સરકારી કચેરીઓ, આવાસ સહિતનો 40 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સનું લેણું બાકી બોલે છે. મ્યુનિ.કોર્પોરેશનની સ્થાપના સમયથી જ ગાંધીનગરમાં આવેલા જૂના સચિવાયલ, નવા સચિવાયલ, રાજભવ, સીએમ હાઉસ, મંત્રી નિવાસ અને જિલ્લાની કચેરીઓનો પ્રોપર્ટી ટેક્સ મ્યુનિ. કોર્પોરેશનમાં ભરાયો નથી.