Site icon Revoi.in

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું,ધોરણ 10-12 ની બોર્ડની પૂરક પરીક્ષા અંગે બહાર પાડ્યું જાહેરનામું

Social Share

રાજકોટ:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ (સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ) માટેની પૂરક પરીક્ષા 18 મી જુલાઈથી 22 મી જુલાઈ-૨૦૨૨ દરમિયાન યોજવામાં આવનાર છે.રાજકોટ શહેરમાં ધો.-10 નાં 17 કેન્દ્રો તથા ધો.-12 નાં 23 કેન્દ્રો મળીને કુલ-40 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવનાર છે.આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય,પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ના પહોંચે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા. 18 જુલાઈથી 22 જુલાઈ સુધી, સવારે ૯ કલાકથી ૧૯ કલાક (સાંજે ૭ વાગ્યા) સુધી પરીક્ષા કેન્દ્રો (શાળાઓ) નજીકના ૧૦૦ મીટરના વિસ્તારમાં કેટલાક કૃત્યો પર પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ, નક્કી કરાયેલાં પરીક્ષા કેન્દ્રો-શાળા કમ્પાઉન્ડની આસપાસના 10૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં, કોઈ સ્ટેસનર્સ કે વેપારીઓ કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્સ-કોપીયર મશીન ચાલુ રાખી શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોના 100 મીટરના વિસ્તારમાં વાહનો લાવી કે લઈ જઈ શકાશે નહીં, ચાર વ્યક્તિઓએ ભેગા થવું નહીં, પરીક્ષાર્થીઓએ પરીક્ષા કેન્દ્રોમાં પ્રશ્નપત્રને લગતું કોઈ સાહિત્ય લઈ જવું નહીં, પરીક્ષાર્થીઓ કે સુપરવાઇઝરોએ પરીક્ષાખંડમાં મોબાઈલ ના લઈ જવા. પરીક્ષા કેન્દ્રોમાં ફરજ પરના અધિકારીઓ, સ્ટાફ, કર્મચારીઓએ આઇકાર્ડ પહેરવાનું રહેશે.જેમણે અગાઉથી પરવાનગી મેળવેલી હોય તેવા ફરજ પરના અધિકારીઓ-સ્ટાફ, લગ્નના વરઘોડા, સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકો, ફરજ પરના પોલીસ-એસ.આર.પી.-હોમગાર્ડ-જી.આર.ડી.ના સ્ટાફને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારા સામે ભારતીય ફોજદારી અધિનિયમ-1860 ની કલમ-188 હેઠળ શિક્ષાને પાત્ર થશે, તેમ રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના જાહેરનામામાં જણાવાયું છે.