કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદના કાળા નાણાનું દુબઈમાં કરાયું હતું રોકાણ, તપાસનો ધમધમાટ તેજ
લખનૌઃ ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર અતીક અને અશરફના કાળા નાણાથી સદ્દામે દુબઈમાં ફ્લેટ પણ ખરીદ્યો છે. અતીકના વકીલ સૌલત હનીફની પૂછપરછ દરમિયાન આ વાત સામે આવી છે. પ્રયાગરાજ પોલીસ આ કેસમાં સદ્દામને રિમાન્ડ પર લઈ તેની પૂછપરછ કરી શકે છે. અતીક-અશરફ દેશના જુદા જુદા રાજ્યોમાં બોગસ કંપનીઓ બનાવીને કાળું નાણું રોકતા હતા. જાણકારોએ બંને ભાઈઓને દુબઈમાં રોકાણ કરવાની સલાહ આપી હતી. ત્યારબાદ સદ્દામે અતીક-અશરફના પૈસાથી દુબઈમાં ફ્લેટ ખરીદ્યા હતા. સદ્દામ આ ફ્લેટનું ભાડું પણ લઈ રહ્યો છે.
દુબઈમાં રિયલ એસ્ટેટ બિઝનેસમાં રોકાણ કરનારાઓ માટે વિઝા નિયમો હળવા છે. આ કારણોસર સદ્દામે દુબઈમાં પણ રોકાણ કર્યું છે. જ્યારે પ્રયાગરાજ પોલીસે સૌલત હનીફને રિમાન્ડ પર લીધો ત્યારે તેણે જણાવ્યું કે, સદ્દામે દુબઈમાં બંને ભાઈઓના કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. સદ્દામ પાસે અતીક-અશરફની બેનામી સંપત્તિ વિશે પણ સંપૂર્ણ માહિતી છે.
સદ્દામ તેની બહેન ઝૈનબ સાથે મળીને કેટલીક મિલકત વેચવા માંગતો હતો. તેણે આ અંગે ઘણા બિલ્ડરો સાથે વાત પણ કરી હતી, પરંતુ ખરીદ-વેચાણ પહેલા બરેલી એસટીએફએ તેની દિલ્હીથી ધરપકડ કરીને જેલમાં મોકલી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, પ્રયાગરાજ પોલીસ સદ્દામને રિમાન્ડ પર લેશે અને અતીક-અશરફની સંપત્તિ વિશે જાણકારી મેળવશે. તે જ સમયે સદ્દામે પ્રોપર્ટી ડીલર ફરહતને બરેલીમાં જમીન ખરીદવા માટે પૈસા પણ આપ્યા હતા. આ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સદ્દામ સામે ગેંગસ્ટરની કાર્યવાહી પણ થઈ શકે છે.।