નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને આતંકવાદી જાહેર કર્યો છે. આ પહેલા પણ કેન્દ્ર સરકાર લખબીર સિંહ લાંડાને આતંકવાદી જાહેર કરી ચૂકી છે. આ બંને કેનેડામાં છુપાયેલા છે. તેઓ પંજાબમાં ખંડણી અને સરહદ પારથી હથિયારો અને ડ્રગ્સની દાણચોરીમાં પણ સામેલ છે. ગોલ્ડી બ્રાર કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ખાસ સાગરિત છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂઝવાલાની હત્યા બાદ ગોલ્ડી બ્રારે સોશિયલ મીડિયા પર હત્યાની જવાબદારી લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાનો આરોપી બ્રાર કેનેડામાં છુપાયેલો છે. બ્રાર લોરેન્સ બિશ્નોઈ ગેંગનો છે અને તેની સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને હથિયારોની દાણચોરી સહિત લગભગ 13 કેસ નોંધાયેલા છે. ઇન્ટરપોલે તેની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરી છે. સપ્ટેમ્બર મહિનામાં પોલીસે ગોલ્ડી બ્રારના ઘર પર દરોડા પાડ્યા હતા. તેમજ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ બ્રાર સાથે સંકળાયેલા લોકોના સ્થળો પર પણ દરોડા પાડ્યા છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ, ખાલીસ્તાનીઓ અને નક્સલવાદીઓ સામે લાગ આંખ કરી છે. તેમજ દેશ વિરોધી પ્રવૃતિઓને ડામવા માટે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગોલ્ડી બ્રાર પહેલા 30 ડિસેમ્બર એટલે કે શનિવારે કેન્દ્ર સરકારે લખબીર સિંહ લાંડાને આતંકવાદી જાહેર કર્યો હતો. આતંકવાદી લખબીર સિંહ લંડા પંજાબમાં RPG હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. અગાઉ NIAએ લાંડા સામે 15 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. પંજાબના તરનતારન જિલ્લાના હરિકે ગામનો રહેવાસી લખબીર હાલમાં કેનેડામાં છુપાયેલો છે.