નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની તિહાર જેલમાંથી ગેંગ વોરની ઘટના બની છે. આ ગેંગવોરમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા માર્યો ગયો હતો. દિલ્હીની તિહાડ જેલમાં સર્જાયેલી ગેંગવોરની ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીની તિહાડ જેલમાં અંદર બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ગેંગસ્ટર ટિલ્લુ પર પણ જીવલેણ હુમલો થયો હતો. આ બાદ ઘાયલ ગેંગસ્ટર ટિલ્લુને તિહાર જેલ પ્રશાસન દ્વારા દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં પાછળથી તેનું મોત થયું હતું.
જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, જેલ નંબર 8માં બંધ યોગેશ ટુંડા નામના કેદીએ જેલ નંબર 9માં બંધ ટિલ્લુ પર અચાનક લોખંડની જાળી વડે હુમલો કર્યો હતો અને આ હુમલામાં ટિલ્લુ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તિહાર જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાનું દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. ટિલ્લુ પર આ જીવલેણ હુમલો ગેંગસ્ટર રાજેશ બાવાનિયા, યોગેશ ટુંડા, દીપક તિટાર અને જીતેન્દ્ર ગોગી ગેંગના રાંચોએ કર્યો છે. બીજી ગેંગના લોકોએ ટિલ્લુની હત્યાને અંજામ આપ્યો છે. ટિલ્લુ તાજપુરિયાનું ડીડીયુ હોસ્પિટલમાં નિધન થયું હતું. આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
તિલ્લુ તાજપુરિયા 24 સપ્ટેમ્બર 2021ના રોજ દિલ્હીની રોહિણી કોર્ટમાં થયેલા ગોળીબારનો માસ્ટરમાઇન્ડ હતો. ગેંગસ્ટર ટિલ્લુએ બંને શૂટરોને ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીને કોર્ટમાં મારવા માટે તાલીમ આપી હતી. તેમને વકીલો જેવા દેખાવા, તેમના જેવા વ્યવસાયિક વર્તન કરવાની તાલીમ આપવામાં આવી હતી અને આરોપી ઉમંગના ઘરે હૈદરપુર ખાતે તાલીમ આપવામાં આવી હતી. કોર્ટમાં ગોળીબારમાં બંને શૂટરો માર્યા ગયા હતા. આ કેસમાં પોલીસે 111 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી.