નવી દિલ્હીઃ સર્બિયાના મહાન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે મેન્સ સિંગલ્સની ફાઇનલમાં સ્પેનના કાર્લોસ અલ્કારાઝને 7-6, 7-6થી હરાવ્યો. ઓલિમ્પિક ઈતિહાસમાં જોકોવિચનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. તેણે અગાઉ બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. યુવા અલ્કારાઝ માટે આ પ્રથમ ઓલિમ્પિક સિલ્વર છે.
મેન્સ ટેનિસ ઈતિહાસમાં સૌથી વધુ 24 ગ્રાન્ડ સ્લેમ જીતનાર જોકોવિચે પ્રથમ વખત ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તે છેલ્લી ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં સેમિફાઇનલથી આગળ વધી શક્યો નહોતો. જોકોવિચે 2024 પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને કારકિર્દીનો ગોલ્ડન સ્લેમ પુરો કર્યો છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડન સ્લેમ તે છે જેણે પોતાની કારકિર્દીમાં ચારેય ગ્રાન્ડ સ્લેમ અને ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા છે.
જોકોવિચે પ્રથમ રાઉન્ડમાં મેથ્યુ એબ્ડેનને 6-0, 6-1થી હરાવ્યો હતો. બીજા રાઉન્ડમાં તેણે તેના કટ્ટર હરીફ રાફેલ નડાલને 6-1, 6-4થી હરાવ્યો હતો. ત્રીજા રાઉન્ડમાં, જોકોવિચે જર્મનીના ડોમિનિક કોએફરને 7-5, 6-3થી હરાવ્યો. સર્બિયન દિગ્ગજ ખેલાડીએ તેની ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં સ્ટેફાનોસ સિત્સિપાસ (6-3, 7-6) સામે જીત મેળવી હતી. તેણે સેમી ફાઇનલમાં લોરેન્ઝો મુસેટ્ટીને (6-4, 6-2) હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો.