અમદાવાદમાં વર્ષોથી બંધ પડેલા 82 જંક્શન પરના CCTV શરૂ કરાતા રોજ 4500 મેમો ઈસ્યુ કરાશે
અમદાવાદઃ શહેરમાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય એવા તમામ ચાર રસ્તોઓ પર સીસીટીવી લગાવવામાં આવેલા છે. ટ્રાફિક પોલીસ તેમજ એએમસીના કન્ટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે છેલ્લા બે વર્ષથી 82 જંકશનો પરના સીસીટીવી કેમેરા બંધ હતા. તેને મરામત કરીને ફરી ચાલુ કરાતા હવે 82 જેટલા ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા દ્વારા ટ્રાફિક ભંગના ગુના સામે દેખરેખ રાખવામાં આવશે. અને પ્રતિદિન 4500 જેટલા ઈ-મેમો ઈસ્યુ કરાશે.
ટ્રાફિક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના 82 જંક્શનો પર લગાવેલા સીસીટીવી કેમેરા કે છેલ્લા બે વર્ષથી બંધ હતા. ટ્રાફિક નિયમના ભંગ બદલ રોજના સરેરાશ 2 હજાર જેટલા ઈમેમો ઈશ્યૂ કરવામાં આવતા હતા. જો કે કોન્ટ્રાક્ટ રિન્યૂ થતા જ તાત્કાલિક આ 82 જંકશનો પરના બંધ કેમેરા શરૂ કરવામાં આવતા હવે રોજના સરેરાશ 4500 જેટલા ઈમેમો ઈશ્યૂ કરવામાં આવશે. હાલ શહેરમાં 212 જંક્શન પરથી ઈમેમો જનરેટ કરવામાં આવે છે. આ જંક્શનો પૈકી સ્માર્ટ સિટી જંક્શન અંતર્ગત 130 જંક્શન પર 2,303 કેમેરા જ્યારે સીએમઆઈટીએમએસના(સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ) 82 જંક્શનો પર 254 કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષથી સીએમઆઈટીએમએસ સાથેનો કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી આ 82 જંક્શનો પરના 254 કેમેરાઓ બંધ હાલતમાં હતા, જ્યારે 130 જંકશનો પૈકી 85 જંકશનોમાં સીસીટીવી વાયર કપાઈ, જવા, કેમેરાની દિશા બદલાઈ જવી, કેમેરા ડિસ્મેન્ટલ થવા, સ્ટોપ લાઈનની સમસ્યા સહિતના કારણોથી આ જંકશનો પરના કેમેરા બંધ થઈ ગયા હતા. જો કે મ્યુની દ્વારા 82 જંકશનો પરના બંધ સીસીટીવી કેમેરા શરૂ કરી દેવામાં આવ્યો છે. આ જંકશનો પર કૂલ 220 જેટલા કેમેરા કાર્યરત રહેશે
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં જે 82 જંક્શનો પર સીસીટીવી કેમેરા શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં એઈસી, એરપોર્ટ, અખબારનગર, અંજલી, અપસરા સિનેમા, અસલાલી, બાકરોલ, શીલજ-બોપલ રોડ, બોપલ સર્કલ, ચિમનભાઈ બ્રીજ, ચોખા બજાર, સર્કિટ હાઉસ, સિવિલ હોસ્પિટલ, સીટીએમ, દાણીલીમડા, દાસ્તાન સર્કલ, દહેગામ સર્કલ, દિલ્હી દરવાજા, ગીતામંદિર, ઘી કાટા, ગોતા, હજરત શ્રી અલી દરગાહ, હાટકેશ્વર, હેલમેટ સર્કલ, આઈઆઈએમ, ઈન્કમટેક્ષ, ઈસ્કોન, જમાલપુર, જનપત ટી, જશોદાનગર, જવાહર ચોક, ઝુન્ડાલ સર્કલ, જુહાપુરા, કમોર્ડ સર્કલ, કર્ણાવતી, ખમાસા, ખોખરા, માનસી, મેમ્કો, મધર ડેરી સર્કલ, નરોડા પાટિયા, નારોલ સર્કલ, નેશનલ હાઈવે ટોલ 1, નવી હાઈકોર્ટ, નહેરુનગર, નિકોલ, ઓઢવ, ઓગણજ, નવા વાડજ, પકવાન, પાલડી, પ્રેમ દરવાજા, પુષ્પકુંજ સર્કલ, રાણીપ, રખિયાલ, આરટીઓ, રૂબી ટી, સાણંદ, સાણંદ ટાવર, સનાથલ, સારંગપુર સહિતના જંક્શનનો સમાવેશ થાય છે