હવે રામ મંદિરના ઈતિહાસ પર બનાવાશે ફિલ્મ – દુરદર્શન પર ફિલ્મ દર્શાવવાની કરાઈ જાહેરાત
- હવે રામ મંદિરનો ઈતિહાસ ડિજીટલ રુપે જોવા મળશે
- રામ મંદિર પર બનશે ફિલ્મ
- બોલિવૂડ શહેનશાહ આપશે પોતાનો અવાજ
મુંબઈઃ- રામ મંદિરનો ઈતિહાસ ખૂબ જાણીતો છે અને ભારતની સંસ્કૃતિમાં ખાસ તેનું મહત્વ પણ છે ત્યારે હવે રામ મંદિરના ઈતિહાસ પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે.અયોધ્યામાં રામ મંદિર વર્ષ 2023માં બનીને તૈયાર થવાનું છે. રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસ પર ફિલ્મ બનાવવાની યોજના પણ હવે બનાવાઈ છે.
કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મમાં દિગ્ગજ એક્ટર શહેનશાહ અમિતાભ બચ્ચન પોતાનો અવાજ આપશે. ફિલ્મમાં નેરેટર તરીકે અભિનેતાના અવાજનો ઉપયોગ કરવામાં આવશે. આ ફિલ્મમાં મંદિરના નિર્માણ દરમિયાન થયેલા સંઘર્ષની વાર્તા દર્શાવામાં આવશે.
જો ફિલ્મના રિલીઝ વિશે વાત કરીએ તો આ ફિલ્મને દૂરદર્શન પર બતાવવાની જાહેરાત કરવામાં આવી છે. રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસીય બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે.રામ મંદિરના 500 વર્ષના ઈતિહાસને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી પ્રખ્યાત લેખક અને ફિલ્મ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂનને આપવામાં આવી છે.
લેખક સાથે છ સભ્યોની ટીમ કામ કરશે અને રામ મંદિર સમિતિએ પણ આ ફિલ્મ બનાવવાની મંજૂરી આપી દીધી છે. અમિતાભ બચ્ચન અને પ્રસૂન જોશી આ ફિલ્મ માટે કોઈ ફી નથી લઈ રહ્યા તેમ પણ જાણવા મળ્યું છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અને દાયકાઓ પહેલા દૂરદર્શન પર પ્રસારિત થયેલી ચાણક્ય સીરિયલના નિર્માતા ડૉ.ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્રારા કરવામાં આવશે.