ગાંધીનગરઃ શિક્ષણના મૂલ્યાંકન માટે ગુણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવતો હતો. હવે શિક્ષકોમાં શિક્ષણની સજ્જતા કેટલી તે જાણવા માટે શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવાનારી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાનો શિક્ષક આલમમાં વિરોધ પ્રબળ બની રહ્યો છે. તો બીજી તરફ ભાજપના જ ધારાસભ્યોએ શિક્ષકોના સમર્થનમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શિક્ષણમંત્રીને પત્ર લખી શિક્ષકોની પરીક્ષા નહિ યોજવાની રજૂઆત કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી 24 મી ઓગસ્ટના રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કર્યું છે. જેનો વિરોધ અલગ-અલગ શિક્ષક સંઘો દ્વારા થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આ પરીક્ષા મુદ્દે અલગ-અલગ પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. ત્યારે આ મામલે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે તો પરીક્ષાનો બહિષ્કાર થાય તે માટે શિક્ષકો પાસે શપથ લેવડાવ્યા છે . જ્યારે પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ પરીક્ષા ફરજિયાત નહીં હોવાનું સમર્થન કરી રહ્યું છે.
એટલું જ નહીં શૈક્ષિક સંઘના હોદ્દેદારોએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સમક્ષ રૂબરૂ મુલાકાત કરીને પરીક્ષા નહીં યોજવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ નહીં યોજવા અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સરકાર સમક્ષ શિક્ષકોના સમર્થનમાં લખેલા પત્રમાં રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ રાજય કક્ષાના મંત્રી ગોવિંદભાઈ પટેલ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા ઉપરાંત ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાના અહેવાલ છે. તો બીજી તરફ શિક્ષક સજ્જતા સર્વેક્ષણની પરીક્ષા લેવાથી શિક્ષકો નું અપમાન થઇ રહ્યું હોવાનો દાવો પણ શૈક્ષીક સંઘ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
જ્યારે પ્રાથમિક શિક્ષક સંઘ એવો દાવો કરી રહ્યું છે કે આ પરીક્ષા ફરજિયાત નથી. એટલે કે કોઈપણ શિક્ષક આ કસોટીમાંથી પાર ઉતરવા માંગતું હોય તો તેને કોઈ રોકતું નથી. તેવો મત વહેંતો થયો છે. ત્યારે શિક્ષકોના હિત માટે કામ કરતી અલગ અલગ બે સંસ્થાઓ ના જુદા જુદા વિચારોથી 24મી ઓગસ્ટે યોજાનારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પાર પડશે કે કેમ તે યક્ષપ્રશ્ન છે.
આ ઉપરાંત ઓલ ગુજરાત વાલી મંડળે પણ આ સર્વેક્ષણ કરી શિક્ષકોનું યોગ્ય જ્ઞાન ચકાસવા માટે સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સામે શિક્ષકો દ્વારા જ પ્રબળ વિરોધ થઈ રહ્યો છે. ત્યારે આ મુદ્દે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કોઈ સ્પષ્ટતા નહીં કરતા નવી રાજકીય ચર્ચાનો ઉદય થયો છે.