લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે એક મોટો નિર્ણય લીધો છે. યોગી સરકાર હવે રાજ્યના બાળકોને દેશની પ્રાચીન ભાષા સંસ્કૃત શીખવવા પર ભાર મૂકવા જઈ રહી છે. આ દિશામાં સરકારનું વલણ ગંભીર જણાય છે.આ માટે સરકાર રાજ્યના દરેક જિલ્લામાં આવાસીય સંસ્કૃત શાળાઓ ખોલવા જઈ રહી છે. સરકાર બાળકોમાં સંસ્કૃત શિક્ષણ પ્રત્યે રસ વધારવાનો પ્રયાસ કરી રહી છે. આ નવી સંસ્કૃત આવાસીય શાળાઓ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. યોગી સરકાર આ શાળાઓને કોન્વેન્ટ શાળાઓની તર્જ પર ખોલવાની યોજના બનાવી રહી છે. આ શાળાઓમાં સંસ્કૃત વાતાવરણ હશે અને મોટાભાગના વર્ગો સ્માર્ટ હશે.
આ શાળાઓમાં માત્ર સંસ્કૃત જ નહીં ભણાવવામાં આવશે પરંતુ આધુનિક વિષયો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ માટે NCERT પુસ્તકોમાંથી આ વિષયોનો સમાવેશ કરીને અભ્યાસ કરવામાં આવશે. આ રેસિડેન્શિયલ સંસ્કૃત સ્કૂલોમાં માત્ર +2 સુધીનું શિક્ષણ જ નહીં પરંતુ ત્યાર બાદ વ્યાવસાયિક શિક્ષણ પણ આપવામાં આવશે. સરકાર પ્રથમ તબક્કામાં 35 સંસ્કૃત શાળાઓ અને બીજા તબક્કામાં 40 સંસ્કૃત શાળાઓ સ્થાપવાનું આયોજન કરી રહી છે.
આ યોજના હેઠળ સંસ્કૃત શિક્ષણ એ જ કેમ્પસમાં સંસ્કૃત વાતાવરણમાં આપવામાં આવશે. 2 મહિના પહેલા શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ એક પ્રસ્તાવ સરકારને મોકલવામાં આવ્યો હતો, જેને નાણા વિભાગે પણ વિવિધ એજન્સીઓની સલાહ લીધા બાદ મંજૂર કર્યો હતો. હવે તે માત્ર વિભાગીય ઔપચારિકતા બની રહેશે, ત્યારબાદ તેને કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવશે.