અમદાવાદઃરાજ્યમાં વાહનોની સંખ્યા સાથે વાહનચાલકો પણ વધી રહ્યાં છે. આવી સ્થિતિમાં વધુમાં વધુ વાહનચાલકો ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવે એ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રયાસ કરી રહી છે. હવે આ દિશામાં કેન્દ્ર સરકારે વધુ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે વાહનચાલકોને ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે આરટીઓ કચેરી, આઈટીઆઈ ઉપરાંત વધુ એક વિકલ્પ મળશે. જેમાં જનસુવિધા કેન્દ્રો પર આસાનીથી લર્નિંગ લાયસન્સ મળે તેવી સુવિધા ઊભી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વાહનોનું ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે હવે વાહનચાલકોએ આરટીઓ કચેરી કે આઈટીઆઈના ધક્કા નહિ ખાવા પડે.કેમકે જલ્દી જ શહેરના જનસુવિધા કેન્દ્રો પરથી પણ ડ્રાઈવિંગ લાઈસન્સ મળશે. નાગરિકોને જનસુવિધા કેન્દ્રો પરથી ડ્રાઈવિંગ લાઈસન્સના ફોર્મ ભરવાથી માંડીને અન્ય તમામ સુવિધાઓ આપવા માટે કેન્દ્ર સરકારે ગ્રીન સિગ્નલ આપી દીધું છે. જનસુવિધા કેન્દ્રો પરથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા માટે કેન્દ્રના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે એક ગેઝેટ બહાર પાડી દીધું છે. મંત્રાલયે 24 જૂનના રોજ બહાર પડેલા આ ગેઝેટ દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સની પ્રક્રિયા માટે જનસુવિધા કેન્દ્રોને માન્યતા આપવામાં આવી છે. હવે આગળનું કામ રાજ્ય સરકારોનું છે.
જનસુવિધા કેન્દ્રોપરથી નાગરિકોને ડ્રાઈવિંગ લાઈસન્સ આપવા માટે રાજ્ય સરકારોએ પણ કેન્દ્ર સરકારને અનુરૂપ એક એક ગેઝેટ લાવવું પડશે. ત્યારબાદ જ રાજ્યોના વિવિધ શહેરોમાં નાગરિકોને સરળતાથી ડ્રાઈવિંગ લાઈસન્સ મળશે. રાજ્યમાં નાગરિકો સરળતાથી અને ઝડપી રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકે એ માટે રાજ્ય સરકારે આરટીઓ કચેરી ઉપરાંત આઈટીઆઈમાંથી પણ ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાનો વધુ એક વિકલ્પ નાગરિકોને આપ્યો હતો. પણ હાલમાં આઈટીઆઈ ઇન્સ્ટીટયુટમાં પણ એવી જ હાલત છે કે ડ્રાઈવિંગ લાઈસન્સમાં હાલ 60 થી 90 દિવસોનું વેઇટીંગ ચાલી રહ્યું છે. જેના કારણે નાગરિકો પરેશાન થઇ રહ્યા છે. હવે આ સ્થિતિનો જલ્દી જ નિવેડો આવશે જયારે જનસુવિધા કેન્દ્રો પરથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવાની પ્રક્રિયા શરૂ થશે.