Site icon Revoi.in

હવે સરકારી બાબુઓ સરકારી વાહનનો વ્યક્તિગત કામગીરી માટે ઉપયોગ નહીં કરી શકે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં સરકારી અધિકારીઓ સરકારી વાહનોનો બેફામ ઉપયોગ કરતા હોવાની ફરિયાદો વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી અધિકારીઓ સરકારી વાહનનો વ્યક્તિગત ઉપયોગ કરશે તો તેના નાણા વસુલવામાં આવશે. વ્યક્તિગત ઉપયોગ માટે રૂ. 24 પ્રતિ કિમીના દરે નાણાની વસુલાત કરવામાં આવશે. હવે બાબુઓ મનસ્વી રીતે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકશે નહીં. તેઓએ દરેક વસ્તુનો હિસાબ આપવો પડશે, અને જો વ્યક્તિગત ઉપયોગ માટે વધુ વાહનનો ઉપયોગ કરવામાં આવશે તો તેના પૈસા પણ ચૂકવવા પડશે. 

આ ઉપરાંત નાણા મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલને બદલે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવા પર જોર આપવાનું પણ કહ્યું છેતેમજ સરકારે સરકારી કારની ખરીદી અને ઉપયોગમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. 6 લાખ રૂપિયા (નેટ ડીલર કિંમત) સુધીના સરકારી ઉપયોગ માટેની કાર માત્ર સરકારી ઈ-માર્કેટ પ્લેસ (GeM) દ્વારા જ ખરીદી શકાય છે.

નવા નિયમો અનુસાર દિલ્હીના તમામ વિભાગો હાલની પેટ્રોલ અને ડીઝલ કારને ઈલેક્ટ્રિક કારથી બદલવાની શક્યતાઓ તપાસશે. તેમજ જે વાહનોનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે. તેને બદલવા માટે, ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો વિકલ્પ શોધવામાં આવશે. 

હેડક્વાર્ટરની બહાર જવા માટે સ્ટાફની કારનો ઉપયોગ ન કરવો જોઈએ. સંબંધિત સત્તાધિકારીની મંજૂરી પછી જ આ કરી શકાશે. નિયંત્રણ અધિકારી કારના ઉપયોગ, સમારકામ વગેરેની લોગ બુક તૈયાર કરશે. સંયુક્ત સચિવ સ્તરના અધિકારી દ્વારા દર મહિને લોગ બુક તપાસવાની રહેશે.

નાણા મંત્રાલયની સૂચનાઓ અનુસાર, સ્ટાફ કારનો ઉપયોગ મર્યાદિત માત્રામાં વ્યક્તિગત ઉપયોગ માટે કરી શકાય છે. આ અંતર્ગત દર મહિને 500 કિલોમીટર સુધી કારનો ઉપયોગ કરી શકાશે. આ માટે અધિકારીએ દર મહિને 3000 રૂપિયા જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત, જો કારનો ઉપયોગ 500 કિલોમીટરથી વધુ વ્યક્તિગત ઉપયોગ માટે કરવામાં આવે છે, તો 24 રૂપિયા પ્રતિ કિલોમીટરનો ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય સ્ટાફની કારમાં સરકારી કામકાજ માટે દર મહિને માત્ર 250 લીટર ઈંધણ વાપરી શકાશે.