હવે હું કોઈ ભય વગર સ્કૂલ જઈ શકીશઃ વિદ્યાર્થિની માન્યા પરમાર
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આજે 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓના રસીકરણનો પ્રારંભ થયો હતો. દરમિયાન અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં માન્યા પરમાર નામની વિદ્યાર્થિનીએ રસી લીધી હતી. તેમજ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, હવે હું કોઈ પણ ડર વિના સ્કૂલે જઈ શકીશ.
કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ માન્યા પરમારે કહ્યું કે, “હવે હું નિર્ભિકપણે સ્કુલ જઇને અભ્યાસ કરીશ.” કોરોના સામે મને સુરક્ષા કવચ પ્રદાન થયું છે. વેક્સિન લેતી વખતે કે વેક્સિનેશન કરાવ્યા બાદ મને કોઇ પણ પ્રકારની પીડા કે આડઅસર વર્તાઇ નથી. વેક્સિનેસનના કારણે હવે ભય વિના હું સ્કુલ જઇને મારો અભ્યાસ કરી શકીશ.
સમગ્ર રાજ્યમાં 15 થી 18 ની વયના તરૂણોને કોરોના સામેનું સુરક્ષા કવચ પુરૂ પાડવા રસીકરણ મેગા ડ્રાઇવનો શુભારંભ કરવામાં આવ્યો છે. કોરોના રસીકરણ માટે આવતા બાળકોને સરળતાથી સત્વરે રસીકરણ મળી રહે તે માટેનું વ્યવસ્થાપન કિડની હોસ્પિટલ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતુ. ઓન સાઇટ રજીસ્ટ્રેશન કરીને વેક્સિન આપવાની સુવિધા પણ હોસ્પિટલ દ્વારા બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.