નવી દિલ્હીઃ આસામ સરકારે 58 વર્ષ પહેલાંનો એક રસપ્રદ કાયદો તાત્કાલિક અસરથી અમલમાં મૂક્યો છે, જેમાં સરકારી કર્મચારીઓના તેમના જીવનસાથી જીવિત હોય ત્યારે તેમના બીજા લગ્ન પર પ્રતિબંધ મૂક્યો હતો. આ કાયદો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. તેમજ ચેતવણી આપવામાં આવી છે કે, આ નિયમનું પાલન ન કરનારા સરકારી કર્મચારીઓ સામે માત્ર શિસ્તભંગ જ નહીં પરંતુ શિક્ષાત્મક પગલાં પણ લેવામાં આવશે. આ નિયમ વર્ષ 1965માં બનાવવામાં આવ્યો હતો. રાજ્યના કર્મચારી વિભાગના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી કર્મચારીઓ જ્યારે પત્ની જીવિત હોય ત્યારે તેઓ બીજી વખત લગ્ન કરી શકશે નહીં.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નિર્દેશ પર આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. નિયમોનું પાલન ન કરનાર સરકારી કર્મચારીઓને પણ નોકરીમાંથી કાઢી મુકવામાં આવી શકે છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ આદેશ આસામ સિવિલ સર્વિસિસ (આચાર) એક્ટ, 1965ના નિયમ 26ની જોગવાઈઓ અનુસાર જારી કરવામાં આવ્યા છે. જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો, શિસ્ત અધિકારી સરકારી કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી શરૂ કરી શકે છે. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સંબંધિત કર્મચારી પર દંડ વસૂલવામાં આવશે અને તેને ફરજિયાત નિવૃત્તિ પણ ભોગવવી પડી શકે છે.
ભારતમાં મુસ્લિમ પર્સનલ લોની જોગવાઈઓ અનુસાર, સમુદાયના લોકો એક કરતા વધુ લગ્ન કરી શકે છે. તેને કાયદેસર અપરાધ માનવામાં આવતો નથી, પરંતુ આસામમાં સરકારના આ નવા આદેશ બાદ મુસ્લિમ કર્મચારીઓએ પણ જો તેઓ બીજી વખત લગ્ન કરે છે તો તેમને પણ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.