હવે પછીના છ મહિનામાં શેર માર્કેટમાં આવી શકે છે મોટો બદલાવ, જાણો શું છે વાત
- ભારતીય કંપનીઓ 75 હજાર કરોડ IPOથી એકત્ર કરશે
- આગામી છ મહિનામાં થશે આ કામ
- શેરમાર્કેટમાં ઉછાળો આવવાની સંભાવના
મુંબઈ: ભારતીય શેર બજાર છેલ્લા કેટલાક વર્ષોથી આકાશી ઉડાન ભરી રહ્યું છે, શેર માર્કેટમાં સેન્સેક્સ મોટી ઉંચાઈઓને હાસલ કરી રહ્યું છે ત્યારે હવે આ માર્કેટ વધારે ઉછળે તેવી શક્યતાઓ છે. વાત એવી છે કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 26 કંપનીઓની પબ્લિક ઓફર આવી છે અને તેમના દ્વારા 59,716 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે અને નાણાકીય વર્ષ 2021-22 ના બીજા ભાગમાં મોટી સંખ્યામાં IPO આવવાના છે. કંપનીઓ આ દ્વારા એક લાખ કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કરી શકે છે.
ખાનગી કંપનીના કોર્પોરેટ હેડ ફાઇનાન્સ શ્રીનિવાસ બાલાસુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભૂતકાળમાં જ્યારે ભંડોળ એસેટ મેનેજરો પાસે આવતું હતું ત્યારે તેઓ ચીનમાં 90 ટકા રોકાણ કરતા હતા. આનું મુખ્ય કારણ એ હતું કે ચીની અર્થતંત્રનો વિકાસ અને વપરાશ ઉત્તમ હતો. હવે તે જ ફંડ મેનેજરો ભારતમાં તેમના 80 ટકા નાણાંનું રોકાણ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2021માં પોલિસીબજાર 6,017 કરોડ રૂપિયા, નાયકા 4,000 કરોડ રૂપિયા, નોર્ધન આર્ક કેપિટલ 1,800 કરોડ રૂપિયા, ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક 1,330 કરોડ રૂપિયા, એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ 4,500 કરોડ રૂપિયા અને મોબીક્વિક 1,900 કરોડ રૂપિયાનો IPO લાવશે. ઓક્ટોબરમાં સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્શ્યોરન્સ અને ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની પબ્લિક ઓફર મળશે.