નવી દિલ્હીઃ અત્યાર સુધી કારની સુરક્ષા માટે વિદેશી સંસ્થાઓ દ્વારા કારનું પરીક્ષણ કરવામાં આવતું હતું. પરંતુ હવે ભારતમાં ટૂંક સમયમાં ટેસ્ટિંગ શરૂ થશે. કેન્દ્ર સરકાર દ્વારા 22 ઓગસ્ટ 2023 થી શરૂ થશે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી નીતિન ગડકરી તેની શરૂઆત કરશે. આ કાર્યક્રમમાં 3.5 ટન સુધીના મોટર વાહનોના ટેસ્ટ કરવામાં આવશે, જેથી તેમની સલામતી વિશેની માહિતી મળી રહેશે. જેથી આગામી દિવસોમાં હવે દેશની જનતા ભારતમાં જ સેફ્ટી રેટિંગ સાથેની કારની ખરીદી કરી શકશે.
ભારત NCAPની શરૂઆત પછી, વાહન ઉત્પાદકો તેમના વાહનોને તેમની પસંદગીના AIS 197 મુજબ પરીક્ષણ માટે મોકલી શકે છે. ટેસ્ટ દરમિયાન કારના પરફોર્મન્સ પ્રમાણે તેને રેટિંગ મળશે. ઈન્ડિયા એનસીએપી વયસ્કો અને નાના બાળકોની સુરક્ષા અનુસાર રેટિંગ આપશે.
અત્યાર સુધી અમુક કંપનીઓના મર્યાદિત વાહનોનું જ પરીક્ષણ થઈ શકતું હતું. જેના કારણે ગ્રાહકો જે કાર ખરીદી રહ્યા છે તે કેટલી સુરક્ષિત છે તેની માહિતી મેળવી શક્યા નથી. પરંતુ હવે ભારત NCAPની રજૂઆત પછી, તમામ કંપનીઓના તમામ મોડલનું પરીક્ષણ દેશમાં જ કરવામાં આવશે અને ગ્રાહકો તેમની પસંદગીની કારની સલામતી વિશે પણ માહિતી મેળવી શકશે.
ઘણા ભારતીયો હવે વિદેશમાં કરવામાં આવતા ક્રેશ ટેસ્ટ વિશે માહિતી મેળવ્યા બાદ પોતાના માટે કાર ખરીદવાનું પસંદ કરે છે. ઘણી વખત કાર ખરીદતા પહેલા ગ્રાહકો ક્રેશ ટેસ્ટમાં કારને શું રેટિંગ આપે છે તેને પણ પ્રાથમિકતા આપે છે. આવી સ્થિતિમાં, ભારતમાં ઘણી કંપનીઓની કેટલીક કારના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.