હવે લાહોરથી દેખાશે ભારતનો ‘તિરંગો’,નીતિન ગડકરીએ વાઘા બોર્ડર પર ફરકાવ્યો દેશનો સૌથી ઉંચો ધ્વજ
દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગુરુવારે પંજાબ પહોંચ્યા હતા. નીતિન ગડકરીએ અટારી વાઘા બોર્ડર પર દેશનો સૌથી ઉંચો તિરંગો ફરકાવ્યો હતો. અટારી બોર્ડર પર જયંતિ ગેટની સામે લગાવવામાં આવેલા આ ધ્વજ પાછળ 305 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પહેલા કર્ણાટકમાં દેશનો સૌથી ઉંચો ધ્વજ લહેરાતો હતો.
અમૃતસર પહોંચતા ગડકરીનું એરપોર્ટ પર પંજાબના મંત્રીઓ કુલદીપ ધાલીવાલ અને હરભજન સિંહ ETO દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી ગડકરી અહીંથી સીધા શ્રી દરબાર સાહિબમાં દર્શન કરવા ગયા. જે બાદ તેઓ દિલ્હી-કટરા નેશનલ હાઈવેની મુલાકાતે પણ ગયા હતા. ગડકરીએ પંજાબમાં ચાલી રહેલા હાઈવે પ્રોજેક્ટ વિશે પણ માહિતી લીધી હતી.
મીડિયા સાથે વાત કરતા ગડકરીએ કહ્યું કે આજનો દિવસ મારા જીવનનો સોનેરી દિવસ છે. હું પહેલીવાર બાઘા બોર્ડર પર આવ્યો છું. NHAI એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અહીં દેશનો સૌથી ઉંચો ધ્વજ લગાવવામાં આવ્યો છે. આ એક એવું સ્થળ છે જે દેશભક્તિની પ્રેરણા આપે છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ પરેડ જુએ છે ત્યારે તેઓ રોમાંચિત થાય છે.આજે હું તેનો અનુભવ કરીશ. મેં જીવનમાં ઘણું કામ કર્યું છે પરંતુ આ સૌથી આશ્ચર્યજનક કામ છે. હું બહુ ખુશ છું. કેન્દ્રીય સુરક્ષા દળોનું મનોબળ વધારતા તેમણે કહ્યું, “હું બહાદુર જવાનોને અભિનંદન આપીશ. તેઓ દેશની સરહદોનું રક્ષણ કરી રહ્યા છે. અંતમાં ગડકરીએ ‘ભારત માતા કી જય’ના નારા સાથે પોતાનું ભાષણ પૂરું કર્યું