Site icon Revoi.in

હવે પાકિસ્તાનના નેતા ફવાદ ચૌધરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કરી પ્રશંસા

Social Share

નવી દિલ્હીઃ હાલ ભારતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. દરમિયાન પાકિસ્તાનના નેતાએ કોંગ્રેસની જીત માટે દુઆ માંગી હોવાના સમાચારના પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મામલે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન હવે પાકિસ્તાનના નેતા ચૌધરી ફવાદ હુસૈનને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સિનિયર નેતા રાહુલ ગાંધીના વખાણ કર્યાં છે. ફવાદ હુસૈનએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, રાહુલ ગાંધીમાં પોતાના પરદાદા જવાહરલાલની જેમ એસ સમાજવાદી ભાવના છે. વિભાજનના 75 વર્ષ બાદ પણ ભારત અને પાકિસ્તાનની સમસ્યાઓ એક સમાન જ છે.

ફવાદ હુસૈનએ આગળ લખ્યું છે કે, રાહુલ ગાંધીએ પોતાના અંતિમ ભાષણમાં કહ્યું કે, 30થી 50 પરિવાર ભારતના 70 ટકા હિસ્સાના માલિક છે. ધન તો પાકિસ્તાનમાં પણ છે પરંતુ માત્ર પાકિસ્તાન બિઝનેસ કાઉન્સિલ નામના એક બિઝનેસ કલબ અને કેટલાક રિયલ એસ્ટેટ શેઠો પાસે પાકિસ્તાનના ધનનો 75 ટકા જેટલો હિસ્સો છે. ધનનું યોગ્ય વિતરણ મૂડીવાદનો સૌથી મોટો પડકાર છે.

આ પહેલા પણ ફવાદ હુસૈને રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. રાહુલના વખાણ કરતા તેણે સોશિયલ મીડિયા ઉપર રાહુલના ભાષણનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે આ પોસ્ટને ‘રાહુલ ઓન ફાયર’નું હેડિંગ આપ્યું હતું. તેમની પોસ્ટને જોયા બાદ ભારતમાં ભાજપે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ ઈમરાન ખાનની કેબિનેટમાં હુસૈનની અગાઉની ભૂમિકા તરફ ઈશારો કરીને સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સાથે કોંગ્રેસના જોડાણ પર સવાલો ઉઠાવ્યા હતા.

ઈમરાન ખાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ અવારનવાર ભારત વિરોધી ભાષણો આપતા રહ્યા છે. જ્યારે ભારતના ચંદ્રયાન 3 ને સફળતા મળી, ત્યારે તેના વખાણ કરવાને બદલે ફવાદે તેની મજાક ઉડાવી હતી. ફવાદ પીએમ મોદી વિશે પણ ઘણી વખત ટિપ્પણી કરી ચૂક્યા છે.