Site icon Revoi.in

હવે ભારતીય સેનામાં પણ સામેલ થશે ઈલેક્ટ્રિક વાહનો,જાણો શું છે સરકારની યોજના

Social Share

દિલ્હી:પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે દેશ હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યો છે,જ્યારે સરકાર તાજેતરમાં ઈંધણના વિકલ્પ તરીકે ગ્રીન હાઈડ્રોજન બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સામાન્ય લોકો માટે ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે તેમના વતી સબસિડી પણ આપી રહી છે.ઇલેક્ટ્રિક વાહનોને લગતું એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે.આવનારા દિવસોમાં ભારતીય સેનામાં પણ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.ભારતીય સેનાએ તેના વાહનોના કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.સેનાના અધિકારીઓએ આ માટે એક ભલામણ તૈયાર કરી છે

હકીકતમાં શુક્રવારે નવી દિલ્હીમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ,સેના પ્રમુખ જનરલ એમએમ નરવણે અને ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓની સામે ટાટા મોટર્સ, પરફેક્ટ મેટલ ઇન્ડસ્ટ્રીઝ અને રિવોલ્ટ મોટર્સ કંપનીએ પોત-પોતાના ઇલેક્ટ્રિક વાહનોને પ્રદર્શિત કર્યા.ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદકોએ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન હસ્તગત કરવામાં આવેલ ઈલેક્ટ્રિક વાહનોની ટેક્નોલોજી અને તેમની વધતી જતી લોકપ્રિયતા વિશે માહિતી આપી હતી.કહેવામાં આવી રહ્યું છે કે,ભારતીય સેનાના કાફલામાં ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક વાહનો પણ સામેલ થશે.

બોર્ડ ઓફ ઓફિસર્સે ભારતીય સેનામાં ઈલેક્ટ્રિક વાહનોને સામેલ કરવા માટે તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આના આધારે ભારતીય સેના ત્રણ કેટેગરીમાં કાર, બસ અને મોટરસાઇકલમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાની યોજના બનાવી રહી છે.રક્ષામંત્રીએ ભારતીય સેનામાં ઇલેક્ટ્રિક વાહનોને સામેલ કરવાની અને સરકારની નીતિઓને અનુરૂપ અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવાની પહેલની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે FAME I અને II ની સરકારી નીતિએ ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ સિસ્ટમને જાળવી રાખવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને મોટું પ્રોત્સાહન આપ્યું છે.

ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે લાઇસન્સ મેળવવાની જરૂરિયાતને દૂર કરી દીધી છે.રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ પુનરોચ્ચાર કર્યો હતો કે,સરકારે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે આ મોટું પગલું ભર્યું છે.