Site icon Revoi.in

હવે માલધારીઓ પણ સરકાર સામે બાંયો ચડાવશે, આજે ઝાંક ગામે મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે સરકાર સામે એક પછી એક મોરચા મંડાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પસાર કરવામાં આવતાં તેના વિરોધમાં રાજ્યભરના માલધારી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. જો કે મુખ્યમંત્રીએ 15 દિવસમાં ઘટતી કાર્યવાહી કરવાની બાંહેધરી આપતાં તત્કાલિન સમયે માલધારીઓએ આંદોલન સમેટી લીધું હતું. ત્યારે 15 દિવસની સમય મર્યાદા પણ પૂર્ણ થવા છતાં હજી સુધી સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય નહીં લેવાતા માલધારીઓની ધીરજ હવે ખૂટી છે.  સરકારની બાંહેધરી છતાં માલધારીઓ ટસના મસ થવા તૈયાર નથી. ભૂપેન્દ્ર પટેલ સરકાર વિરુદ્ધ રણશિંગૂ ફૂંકવા આજે રવિવારે દહેગામનાં ઝાંક ગામે માલધારી મહાપંચાયતની મીટિંગ મળશે,  જેમાં આંદોલનને વેગવંતુ આપવા આગામી સમયની રણનીતિ ઘડવામાં આવશે.

ગુજરાત માલધારી મહાપંચાયતનાં પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલા વડવાળા મંદિર ખાતે ગુજરાત માલધારી મહાપંચાયની અગત્યની મીટીંગ મળશે. જેમાં સમગ્ર ગુજરાતનાં તમામ જિલ્લાઓમાંથી મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારનાં ઢોર અંકુશ નિયંત્રણ કાયદાને લઈને છેલ્લા બે-ત્રણ મહિનાથી વાયદા અને લોલીપોપ આપવામાં આવે છે તેને માલધારી સમાજ સારી રીતે જાણે છે. ભુતકાળનાં અનેક સમાજોને ગુજરાત સરકારે છેતર્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદો રદ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન યથાવત રાખીશું. છેલ્લે જ્યારે મુખ્યમંત્રી જોડે ગાંધીનગર ખાતે મીટીંગ યોજાઈ ત્યારે તેઓએ 15 દિવસની અંદર આ બાબતે માલધારી સમાજને સાથે રાખીને ફરીવાર મીટીંગ યોજવાની વાત કરી હતી. તે વાતને 25 દિવસ થવા આવ્યા છતાંય ગુજરાત સરકાર તરફથી યોગ્ય કે ઠોસ વાત જાહેર કરાઈ નથી. તે બાબતે ચર્ચા વિચારણા કરવા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભામાં શહેરી વિસ્તાર નિયંત્રણ રાખવા અને ફેરફાર કરવા બાબતના અધિનિયમ 2022નો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જે બાબતે આ કાયદો સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ અધિનિયમ પ્રમાણે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકામાં આ કાયદો લાગુ કરવામાં આવશે. આ કાયદા મુજબ પશુ પાલકોને લાયસન્સ લેવું ફરજિયાત રહેશે, તેમજ લાયસન્સ વાળી જગ્યા પણ દર્શાવવાની રહેશે. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ ઇન્સ્પેક્ટર અથવા તો સમકક્ષ અધિકારીઓની નિમણૂંક કરીને તેને સમયસર ચકાસવામાં પણ આવશે.