ગુજરાતમાં લર્નિંગ લોસ કવર કરવા હવે ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓને મહત્વના ચેપ્ટર ભણાવાશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લીધે લાંબા સમય સુધી ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું. વિદ્યાર્થીઓને ઘેર બેસીને ઓનલાઈન શિક્ષણ લેવાની ફરજ પડી હતી. ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓ કેટલું અને કેવું ભણ્યા તે તો સૌ કોઈ જાણે છે. ઉપરાંત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. હવે કોરોનાની અસર ઓસરતાં જ સ્કૂલો ફરીવાર ઓફલાઈન શરૂ થઈ છે અને બોર્ડની પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં સ્કૂલોમાં નવા સત્રથી ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો લર્નિંગ લોસ કવર કરવા પાછળના ધોરણના અભ્યાસક્રમના મહત્વના ચેપ્ટર ભણાવવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે સ્કૂલો બે વર્ષ દરમિયાન સંપૂર્ણ ઓનલાઈન ચાલી હતી. સ્કૂલો બંધ હોવાથી વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણ્યા છે. જેથી ધો 9 અને 11માં આગામી વર્ષે આવનારા વિદ્યાર્થીઓને આગળના બે વર્ષના અભ્યાસક્રમના મહત્વના ચેપ્ટર ભણાવાશે. ધો. 9 ના વિદ્યાર્થીઓને ધો. 7 અને ધો.8 ના તેમજ ધો. 11ના વિદ્યાર્થીઓને ધો. 9 અને 10ના મહત્વના ચેપ્ટર ભણાવાશે. જેથી તેઓ જ્યારે ધો.10-12ની બોર્ડ પરીક્ષા આપે ત્યારે નુકસાન ન જાય અને લર્નિંગ લોસ કવર થઈ શકે. આગળના ત્રણ મહિના અતિ મહત્વના ચેપ્ટર ચાલુ ધોરણ સાથે જ ભણાવી દેવાશે, જેથી ચાલુ ધોરણનો અભ્યાસ ન બગડે. આ માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાશે. જોકે હજુ સુધી કોઈ પરિપત્ર વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો નથી. પણ નિર્ણય લેવાઈ ગયો છે.(file photo)