અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટની ટકોર બાદ પણ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દુર થઈ નથી. મ્યુનિ.દ્વારા રખડતા ઢોર પકડવા માટે પોલીસના કાફલા સાથે ટીમ મોકલવામાં આવતી હોય છે. પરંતુ મ્યુનિની ટીમ જે તે સ્થળે પહોંચે તે પહેલા જ કેટલાક માલધારીઓ તેમના ઢોરને લઈ જતા હોય છે. તેને લીધે રખડતા ઢોર પકડાતા નથી. રખડતા ઢોરને લીધે ટ્રાફિકને પણ અડચણ થતી હોય છે. આથી હવે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા જોઈને ક્યા વિસ્તારોમાં રખડતા ઢોર ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યા છે. તેની માહિતી મ્યુનિ.ના ઢોર વિભાગને આપશે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસ અને હુમલાના બનાવો વધી રહ્યા છે, ત્યારે હવે ટ્રાફિક પોલીસ પણ મ્યુનિ.ને ઢોર પકડવામાં મદદરૂપ બનશે. ટ્રાફિક પોલીસ સીસીટીવીથી શહેરના ટ્રાફિકનું મોનિટરિંગ કરતી હોય છે. હવે ટ્રાફિક પોલીસ શહેરના કયા રોડ પર રખડતા ઢોર ટ્રાફિકને અડચણરૂપ બની રહ્યા છે, તેની માહિતી આપશે. જેથી મ્યુનિ.ની ટીમ ત્યાં પહોંચી જઈ ઢોર પકડવાની કામગીરી કરી શકશે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રખડતાં ઢોર પર નિયંત્રણ માટે મ્યુનિ. દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે તેમ છતાં પણ શહેરમાં અનેક વિસ્તારમાં રખડતાં ઢોરને કારણે નાગરિકોને ઇજા કે મૃત્યુની ઘટના બની રહી છે. ત્યારે હવે ટ્રાફિક પોલીસને પણ રખડતાં ઢોર પકડાવવા માટે મદદમાં લેવાશે. જેમાં રસ્તા પર ટ્રાફિકના નિયમનું ઉલંઘન કરનારા વાહનચાલકો પર નજર રાખતાં સીસીટીવી કેમેરા દ્વારા શહેરમાં હવે રખડતાં ઢોર પર પણ નજર રાખવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં જે સીસીટીવીમાં આવા રખડતાં ઢોર નજરે પડશે ત્યાંની માહિતી પોલીસ ઢોર પકડ પાર્ટીને આપશે. બંનેના સંકલનથી શહેરમાં રખડતાં ઢોર પકડવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી રખડતાં ઢોરને પકડવાની સંખ્યા સતત ઘટી રહી છે. જેમાં છેલ્લે રોજના માંડ 60થી 70 જેટલા જ રખડતાં ઢોર પકડાતાં હતા. જે બાબતે મ્યુનિ. કમિશનર દ્વારા રિવ્યુ બેઠકમાં પણ ગંભીર નોંધ લઇ જે રીતે વધારે સ્ટાફ આપ્યો છે, તે રીતે વધુ પ્રમાણમાં રખડતાં ઢોર પકડવા માટે તંત્રને સૂચના આપી હતી.