- ભાજપના મનામણા છતાંયે માવજીભાઈ માનતા નથી,
- ગનીબેનના કાકા ભૂરાજીને ભાજપે મનાવી લીધા,
- હવે કોઁણ જીતશે તો કહેવું મુશ્કેલ બન્યુ
પાલનપુરઃ બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે,ઉમેદવારી ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ બાદ હવે 10 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના જ માવજીભાઈ ચૌધરીએ ઉમેદવારી ફોર્મ પાછું ન ખેચતા ઠાકોર, રાજપુત અને ચૌધરી વચ્ચે રસાકસીભર્યો જંગ જામ્યો છે. કહેવાય છે કે, માવજીભાઈને મનવવા માટે મુખ્યમંત્રી સહિત ભાજપના અગ્રણીઓએ ખૂબ પ્રયાસો કર્યા છતાંયે માવજીભાઈ માન્યા નહીં અને અપક્ષ તરીકે ઉમેદવારી પાછી ન ખેંચતા ચૌધરી સમાજના ભાજપના વોટમાં ગાબડું પડવાની શક્યતા છે. જ્યારે કોંગ્રેસના સાંસદ ગનીબેન ઠાકોરના કાકા ભુરાજી ઠાકોરે અપક્ષ તરીકે ફોર્મ પરત ખેંચી લઈને ભાજપને સમર્થન આપ્યુ છે.
વાવના ધારાસભ્ય ગનીબેન ઠાકોર બનાસકાંઠાની લોકસભાની બેઠક પર સાંસદ બન્યાં બાદ ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારીપત્ર પરત ખેંચવાની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. 5 અપક્ષે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતાં વાવની પેટાચૂંટણીના જંગમાં હવે કુલ 10 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. ભાજપમાંથી બળવો કરી અપક્ષ તરીકે ફોર્મ ભરનારા માવજીભાઈ ચૌધરીને મનાવી લેવા માટે પ્રયાસો કરાયા હતા, પરંતુ માવજીભાઈ ચૌધરી મંગળવારે રાત્રે જ પોતાની ઉમેદવારી યથાવત્ રાખવાની જાહેરાત કરી દીધી હતી. તો બીજી તરફ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોરને પણ ભાજપે ટિકિટ ન આપતાં અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી, જોકે આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભૂરાજીને સમજાવવામાં ભાજપના નેતાઓ સફળ રહ્યા હતા.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં માવજી ચૌધરીએ પોતાની ઉમેદવારી યથાવત્ રાખતાં હવે ઠાકોર, રાજપૂત અને ચૌધરી ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળે એવી પૂરી શક્યતા છે, કારણ કે માવજીભાઈ ભૂતકાળમાં જે ચૂંટણી લડ્યા છે એમાં હાર્યા હોય કે જીત્યા હોય, પરંતુ નોંધપાત્ર મત મેળવવામાં તેઓ હંમેશાં સફળ રહ્યા છે. માવજી ચૌધરીનું ચૂંટણી ચિહ્નન બેટ હશે. એટલે કમળ, ગુલાબ અને બેટ વચ્ચે મુકાબલો જામશે.
વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ફોર્મની ચકાસણી પૂર્ણ થયા બાદ કુલ 15 ઉમેદવારનાં ફોર્મ મંજૂર કરાયાં હતાં. ત્યાર બાદ અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા જામાભાઈ ચૌધરી, ભૂરાજી ઠાકોર, ગોવિંદરામ ગામોટ, ચમનસભાઈ પીરાબાઈ સોલંકી અને કલાલ નાગરજીભાઈએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે પેટાચૂંટણીમાં કુલ 10 ઉમેદવાર રહ્યા છે. ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોરને પણ ભાજપે ટિકિટ ન આપતાં તેમણે નારાજ થઈને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જોકે આજે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થાય એ પહેલાં જ ભૂરાજીએ અપક્ષ તરીકેની પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. તેમણે કહ્યું હતું કે મને એમ હતું કે કોંગ્રેસની જેમ ભાજપ પણ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ નહીં આપે. જેથી મેં અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી, પરંતુ હવે પરત ખેંચી છે.