દુનિયાભરના લાખો WhatsApp યુઝર્સને ટૂંક સમયમાં જ સારા સમાચાર મળી શકે છે. યુઝર્સ ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ જેવી ફાઇલ્સ ટૂંક સમયમાં જ ઇન્ટરનેટ કનેક્શન વગર વોટ્સએપમાં શેર કરી શકશે. વોટ્સઅપ સાથે જોડાયેલા સમાચારો પર નજર રાખનાર પબ્લિકેશન WABetaInfoએ આ જાણકારી આપી છે. આ ફિચર ફાઇલ શેરિંગ બ્લૂટૂથ પર આધારિત રહેશે.
- બ્લૂટૂથને ચાલુ કરીને ફાઈલ શેર કરવાની રહેશે
રિપોર્ટ અનુસાર વોટ્સએપ યૂઝર્સને સેટિંગમાં જઈને પોતાના બ્લૂટૂથને ચાલુ કરીને ફાઈલ શેર કરવાની રહેશે. આ ફાઇલો મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનના અન્ય ટેક્સ્ટની જેમ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ હશે.
WABetaInfo રિપોર્ટમાં લીક થયેલા સ્ક્રીનશોટમાં બતાવવામાં આવ્યું છે કે આ ફીચરને કામ કરવા માટે એપને એન્ડ્રોઇડની પરવાનગીની જરૂર પડશે. ઓફલાઇન ફાઇલો શેર કરવા માટે જરૂરી છે કે જે ડિવાઇસ સાથે તમે ફાઇલ શેર કરી રહ્યાં છો તેમાં ઓફલાઇન ફાઇલ-શેરિંગ સુવિધા ઉપલબ્ધ હોય. આ સુવિધા એપ્લિકેશનના આગામી અપડેટમાં રોલ આઉટ થવાની સંભાવના છે.
- યૂઝર્સને વધારાની પ્રાઈવસી મળશે
આ ફીચરથી યૂઝર્સ એપની સ્ક્રીન ઉપર પણ પરમિશન આપી શકશે, જેથી બંને ડિવાઇસ કનેક્ટેડ રહી શકે. આ એક ઓપ્ટ-ઇન પ્રક્રિયા છે અને તમારી પરવાનગી વિના કોઈ પણ તમને ફાઇલો મોકલી શકશે નહીં. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રક્રિયામાં મોકલનાર અને રિસીવરના ફોન નંબર છુપાવવામાં આવશે. એટલે કે યૂઝર્સને વધારાની પ્રાઈવસી મળશે.
રિપોર્ટ અનુસાર નજીકના ડિવાઇસને ઓળખવા, જોડવા અને શોધવા માટે તેમની પોઝિશનની પરવાનગી જરૂરી છે. યુઝર્સ જ્યારે ઇચ્છે ત્યારે પોતાના ફોનના સેટિંગમાં જઇને આ પરવાનગીઓ બંધ કરી શકશે.
આ ફીચર પર હજુ પણ કામ ચાલી રહ્યું છે, તેથી તેની રિલીઝ સાથે જોડાયેલી કોઈ તારીખ કે સમયની જાણકારી આપવામાં આવી નથી. આ ફીચર ઉપરાંત વોટ્સએપ કોન્ટેક્ટ નોટ્સ નામના એક ફીચર ઉપર પણ કામ કરી રહ્યું છે. આ ફીચરથી વોટ્સએપ યૂઝર્સ પોતાના કોન્ટેક્ટ્સ સાથે નોટ શેર કરી શકશે.