Site icon Revoi.in

હવે તમારી અંગત માહિતી સુરક્ષિત રહેશે! સરકાર દ્વારા ડિજિટલ પર્સનલ ડેટા બિલ લાવવામાં આવ્યું.

Social Share

નવી દિલ્હી:  કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા બિલ 2022નો ડ્રાફ્ટ રજૂ કર્યો છે. આ અધિનિયમનો હેતુ ડિજિટલ વ્યક્તિગત ડેટા સંબંધિત નિયમન પ્રદાન કરવાનો છે. તે વ્યક્તિઓના વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાના અધિકાર અને કાયદા અનુસાર જરૂરી વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરવાની જરૂરિયાત બંનેને માન્યતા આપે છે.

એક અહેવાલ મુજબ, આ ડ્રાફ્ટમાં સૌથી નોંધપાત્ર ફેરફારો સોશિયલ મીડિયા અને અન્ય ટેક કંપનીઓની આસપાસ વધુ ફરે છે. ડિજિટલ પર્સનલ ડેટા બિલમાં જણાવાયું છે કે ડેટા એકત્ર કરતી કંપનીએ વ્યક્તિગત ડેટાનો સંગ્રહ કરવાનું બંધ કરવું જોઈએ તથા વ્યક્તિગત ડેટાને ચોક્કસ ડેટા સેટ સાથે લિંક કરી શકાય તેવા માધ્યમોને પણ દૂર કરવા જોઈએ. વધુમાં તે જણાવે છે કે જો કાનૂની અથવા વ્યવસાયિક હેતુઓ માટે જરૂરી ન હોય તો ગ્રાહકોનો ડેટા રાખવો જોઈએ નહીં.

કેન્દ્રીય રેલ્વે, સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ બિલ પર લોકોના સૂચનો માંગ્યા છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ડ્રાફ્ટ મુકીને તેમણે આજે ટ્વિટ કર્યું, “ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2022ના ડ્રાફ્ટ પર તમારા મંતવ્યો જાણવા માંગુ છું.”

ઉલ્લેખનીય છે કે છેલ્લા ડેટા પ્રોટેક્શન બિલના ડ્રાફ્ટને આ વર્ષની શરૂઆતમાં સંસદના ચોમાસુ સત્રમાં રદ્દ કરવામાં આવ્યું હતું. હવે મંત્રાલયે તેનું નામ બદલીને ‘પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ’ રાખ્યું છે, જે યુઝર ડેટા સંબંધિત કાયદાઓ પર ભાર મૂકે છે.

ડેટા માલિકને સંપૂર્ણ અધિકારો મળશે : નવું પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ,  બાયોમેટ્રિક ડેટાના માલિકને પોતાના વ્યક્તિગત ડેટા પર સંપૂર્ણ અધિકાર આપે છે. જો કોઈ એમ્પ્લોયર કંપનીને તેના કર્મચારીની હાજરી માટે બાયોમેટ્રિક ડેટાની જરૂર હોય તો તેણે કર્મચારીની સ્પષ્ટ સંમતિ લેવી પડશે.

નવા બિલથી KYC ડેટા પર પણ અસર પડશે. જ્યારે પણ બચત ખાતું ખોલવામાં આવે ત્યારે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આ ડેટા જરૂરી છે. આ પ્રક્રિયા હેઠળ એકત્રિત કરવામાં આવેલ ડેટા પણ નવા બિલના દાયરામાં આવે છે.જેથી બેંકે ખાતા બંધ થયાની તારીખથી 6 મહિનાથી વધુ ન હોય તેવા સમયગાળા માટે KYC ડેટા જાળવી રાખવાનો રહેશે.

આ ડ્રાફ્ટમાં બાળકોના વ્યક્તિગત ડેટાના સંગ્રહ અને જાળવણી માટે પણ નિયમો  છે. બાળકો સંબંધિત ડેટાની શોધ કરતી કંપનીને ડેટા ઍક્સેસ કરવા માટે માતાપિતા અથવા વાલીની સંમતિની જરૂર પડશે. સોશિયલ મીડિયા કંપનીઓએ એ પણ સુનિશ્ચિત કરવું જોઈશે કે બાળકોને ટાર્ગેટ કરતી જાહેરાતો માટે બાળકોના ડેટાને ટ્રેક કરવામાં ન આવે.

(ફોટો: ફાઈલ)