તબીબી કોલેજોમાં સરકારી ક્વોટાની બેઠક પર NRI વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકે નહીઃ હાઈકોર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં મેડિકલ કોલેજોમાં સરકારી ક્વોટાની બેઠકો પર એનઆરઆઈ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના મુદ્દે વિવાદ સર્જાતા આ મામલો હાઈકોર્ટ પહોચ્યા હતા. વિદેશી નાગરિકત્વ ધરાવતા વિદ્યાર્થીને જનરલ શ્રેણીની બેઠકોમાં પ્રવેશ મળી શકે કે કેમ તે મુદ્દે રિટ કરવામાં આવી હતી. તેની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે ઓવરસીઝ સીટીઝન ઓફ ઈન્ડીયા કાર્ડ (વિદેશી નાગરિક) ધરાવતા વિદ્યાર્થીને ભારતીય વિદ્યાર્થી સમકક્ષ અધિકાર ન મળી શકે અને સરકારી સીટ પર મેડીકલ કોલેજમાં પ્રવેશ ન મળી શકે તેવો મહત્વનો ચુકાદો આપ્યો છે.
આ કેસની વિગતો એવી હતી કે, બ્રિટીશ પાસપોર્ટ ધરાવતા વત્સ શાહ નામના વિદ્યાર્થીએ 2019માં મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે અરજી કરી હતી. જે એડમિશન કમીટી દ્વારા નકારવામાં આવી હતી. વડી અદાલતની સુચના મુજબ એનઆરઆઈ કવોટામાં કરેલી અરજી મંજુર થઈ હતી. વિદેશી નાગરિકત્વ ધરાવતા વિદ્યાર્થીને જનરલ શ્રેણીની બેઠકોમાં પ્રવેશ મળી શકે કે કેમ તે મુદો પેન્ડીંગ રહ્યો હતો. દરમિયાન વિદ્યાર્થી દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, 2017માં સરકારે નોટીફીકેશન ઈસ્યુ કરીને શિક્ષણમાં ઓસીઆઈ તથા એનઆરઆઈને સમકક્ષ જાહેર કર્યો છે અને તેના આધારે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર જનરલ કેટેગરીમાં પ્રવેશ લઈ શકે છે. જ્યારે સરકાર પક્ષે એવી દલીલ કરવામાં આવી હતી કે નિયમોમાં પાછળથી બદલાવ કરાયો હતો અને તેના આધારે ઓસીઆઈ કે એનઆરઆઈ વિદ્યાર્થી જનરલ કેટેગરીની સીટમાં પ્રવેશ મેળવી શકતા નથી.
હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલના વડપણ હેઠળની બેંચે વિદ્યાર્થીની અરજી નકારી કાઢતા એમ કહ્યું કે ભારતમાં વસતા વિદ્યાર્થીઓના તબીબી શિક્ષણ પાછળ જ સરકાર ખર્ચ કરે છે. ભારતીય નાગરિક ન હોય કે ભારતમાં કામ કરતા ન હોય તેની પાછળ સરકાર ખર્ચ ન કરે. સરકારી મેડીકલ સીટ ભારતીય છાત્રોને જ મળે તે મુખ્ય પાયાની શરત છે. ઓસીઆઈને એનઆરઆઈ સમકક્ષ ગણાયા હોવા છતાં ભારતીય વિદ્યાર્થી જેવા અધિકાર મળી શકે નહીં,