રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ આર્થિક નબળા અને જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવતો હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ RTE હેઠળ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અને 26મી માર્ચ છેલ્લી તારીખ છે. ઘણાબધા વાલીઓ આરટીઈના ફોર્મ ભરી શક્યા નથી. તેમજ આ વખતે રજિસ્ટર્ડ ભાડા કરારનો પ્રશ્ન પણ ઊભો થયો છે. જેમાં રૂપિયા 7,000થી 8,000માં થતાં રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે નોટરી ભાડા કરાર માન્ય રાખવામાં આવે અને આરટીઇ હેઠળ એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવે એવી માગણી સાથે રાજકોટમાં પ્રદેશ NSUIના પ્રમુખ સહિતના કાર્યકરોએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
રાજકોટમાં NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જિલ્લા શિક્ષણ અધિકારીને સંબોધીને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠક પર આર્થિક નબળા અને જરૂરિયાતમંદ વાલીઓ પોતાના બાળકોને રાઈટ ટુ એજ્યુકેશન સ્કીમ હેઠળ ભણાવી શકે તે માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલું છે. 26મી માર્ચ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. પરંતુ ઘણાબધા વાલીઓ ફોર્મ ભરી શક્યા નથી, એટલે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવો જોઈએ. તેમજ આ વખતે રજિસ્ટર્ડ ભાડા કરાર માંગવામાં આવ્યું છે. જ્યારે આ રજિસ્ટર્ડ ભાડા કરાર માટે વાલીઓને રૂ. 7,000થી રૂ. 8,000 જેટલો ખર્ચ થાય છે. ઘણા જરૂરિયાતમંદ વાલીઓ કે જેમની પાસે ખર્ચ કરવા માટે આટલા પૈસા હોતા નથી અને આ રજિસ્ટર્ડ ભાડા કરારમાં એપોઈન્ટમેન્ટ પણ તરત મળતી નથી. તેથી રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે તેવી અમારી માગ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી સ્કૂલોમાં 25 ટકા બેઠક પર જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા એડમિશન આપવામાં આવે છે. જેમાં અલગ-અલગ પ્રકારના ડોક્યુમેન્ટ સાથે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જોકે, તેમાં દર વર્ષે અમુક ડોક્યુમેન્ટ માટે વાલીઓને લડત ચલાવી પડે છે. અગાઉ સિંગલ ગર્લ ચાઇલ્ડ માટેના ફોર્મની મુશ્કેલી ઊભી થઈ હતી, ત્યારે આ વર્ષે રજિસ્ટર્ડ ભાડા કરારની સમસ્યા સામે આવી છે. જેમાં રજિસ્ટર્ડ ભાડા કરારનો ખર્ચ વધુ છે અને તેમાં એપોઇન્ટમેન્ટ પણ સત્વરે મળતી નથી, તે પ્રકારની સમસ્યા સામે આવી છે. આ સમસ્યા દૂર કરવામાં આવે તેવી વિદ્યાર્થી સંગઠને માગ કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પર હાજર ન હોવાથી તેમને ફોન પર રજૂઆત કરી હતી.