અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશી વિદ્યાર્થીઓ પર મારામારી અને તોડફોડના બનાવ બાદ યુનિવર્સિટીના સત્તાધિશોએ ડેમેજ કન્ટ્રોલ કરીને ફરી આવા બનાવો ન બને તે માટેનો પ્લાન ઘડી કાઢ્યો છે. ઉપરાંત વિદેશી વિદ્યાર્થીઓને હોસ્ટેલના A બ્લોકમાંથી ખસેડીને એનઆરઆઇ હોસ્ટેલમાં ટ્રાન્સફર કરાયા છે. એનઆરઆઈ હોસ્ટેલમાં બોય્ઝ અને ગર્લ્સને એક સાથે ફાળવણી કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં આવેલા A બ્લોકમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓ સાથે ગત. તા.16મી માર્ચેના રોજ મારામારીની ઘટના બની હતી. આ બનાવ બાદ યુનિવર્સિટી દ્વારા A બ્લોકમાં રહેતા વિદ્યાર્થીઓને સિક્યોરિટી કારણથી NRI હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે. NRI હોસ્ટેલમાં પ્રથમ માળે વિદેશી વિદ્યાર્થિનીઓ રૂમ ફાળવાયા છે. જ્યારે બીજા અને ત્રીજા માળે વિદેશી વિદ્યાર્થીઓ રૂમ ફાળવાયા છે. એક જ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે રાખવાના નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે.
કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા બુધવારે ગુજરાત યુનિવર્સિટીની એનઆઆઈ હોસ્ટેલમાં બોય્ઝ અને ગર્લ્સને સાથે રાખવામાં આવતાં વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ વધુ ઉગ્ર ના થાય એ માટે પોલીસ દ્વારા NSUIના કાર્યકરોને યુનિવર્સિટી ટાવરમાં નીચે જ રોકી દેવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી અને સરકાર વિરોધી સૂત્રોચાર કરી યુનિવર્સિટીના રજિસ્ટ્રારને લેખિતમાં આવેદનપત્ર આપ્યું હતું. અને આ મામલે યોગ્ય નિર્ણય લેવા જણાવ્યું હતું.
આ અંગે NSUIના અમદાવાદ શહેર પ્રમુખ તિલકરામ તિવારીએ જણાવ્યું હતું કે હોસ્ટેલમાં જે ઘટના બની ત્યાર બાદ વિદ્યાર્થીઓને NRI હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સાથે રહેશે. ત્યારે આ દરમિયાન કોઈ ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ આ અંગે જવાબદારી સ્વીકારવી જોઈએ. આ ઉપરાંત બનાવના દિવસે સિક્યોરિટી કર્મચારીઓની પણ બેદરકારી સામે આવી છે,. જેથી તેની સામે પણ પગલાં લેવા જોઈએ. કુલપતિ આ અંગે કોઈ નિર્ણય ના કરી શકે એમ હોય તો તેમણે રાજીનામું આપવું જોઈએ.