અમદાવાદમાં સાબરમતિ કોલેજ બંધ કરવા સામે NSUIનો વિરોધ, પોલીસે કાર્યકરોની કરી અટકાયત
અમદાવાદઃ શહેરમાં સાબરમતી સહિત બે ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવા તેના સંચાલકોએ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોને અરજી કરીને મંજુરી માગી છે. કોલેજ બંધ કરવાની અરજીનો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શનિવારે NSUI દ્વારા સાબરમતી કોલેજ ખાતે જઈ કોલેજ બંધ કરવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજ દ્વારા આ મામલે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે NSUI દ્વારા અમને કુલપતિના નામની ધમકી અપાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાબરમતી કોલેજ તેમજ પાલડી વિસ્તારમાં આવેલી એક કોલેજે એમ બન્ને ગ્રાન્ટેડ કોલેજોએ બંધ કરવાની યુનિ. સમક્ષ મંજુરી માગી છે. જોકે યુનિવર્સિટીએ મંજુરી આપી નથી. અને પ્રવેશના કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થીઓ પણ ફાળવી આપ્યા છે. પરંતુ કોલેજોના સંચાલકો ગમે તે ભોગે કોલેજ બંધ કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે NSUIના કાર્યકરોએ સાબરમતિ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જઈ કોલેજ બંધ કરવા માટે આપેલી અરજીના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં. આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓ કોલેજમાં જઈને તેમજ કેટલાક કાર્યકર્તાઓએ કોલેજની બહાર રહીને વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. તે ઉપરાંત કોલેજની અંદર ગયેલા કાર્યકરો કુલપતિ હિમાંશુ પંડ્યાના નામે કોલેજોને ધમકી આપી રહ્યા હોવાનો કોલેજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
NSUIના નેતા નારાયણ ભરવાડે જણાવ્યું હતું કે, અમે સરકારી અને ગ્રાન્ટેડ કોલેજ બંધ ના થાય તે માટે રજુઆત કરવા ગયા હતા. પરંતુ પોલીસે અમારી અટકાયત કરી દીધી હતી. જ્યારે કોલેજમાં કામ કરનારી મહિલા કર્મચારીએ જણાવ્યું હતું કે NSUIના કેટલાક કાર્યકરો ઓફિસમાં આવીને કહી રહ્યા હતા કે તમને તો કુલપતિ જોઈ લેશે. કુલપતિ તમારા નામથી જ ગુસ્સે થાય છે. તમારી સામે કુલપતિ પગલાં ભરશે.