અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં અનેક ભવનો, એક્ઝિબિશન હોલ અને વિશાળ રમત-ગમત માટેના મેદાનો સહિત અનેક સુવિધાઓ વિદ્યાર્થીઓના ઉપયોગ માટે બનાવવામાં આવી છે. પરંતુ યુનિ.ના સત્તાધિશોએ વેપારી બનીને યુનિ.ની કરોડોની કિંમતની મિલ્કતો જ ભાડે આપવા લાગ્યા છે. જેમાં યુનિ. કેમ્પસમાં જ ખાનગી IELTS કોચિંગ સેન્ટર શરૂ થયા છે. આ ઉપરાંત યુનિવર્સિટીના અટલ કલાં ઇનોવેશન સેન્ટરના બિલ્ડિંગમાં ખાનગી કંપનીને ઓફિસ ભાડે આપવામાં આવી છે, આ મામલે NSUIએ વિરોધ કરીને રાજ્યના શિક્ષણમંત્રીને પત્ર લખીને IELTS અને ખાનગી કંપનીને આપેલા બિલ્ડિંગના MOU રદ કરવાની માગ કરી છે.
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં થોડા દિવસ પહેલા ઠેર ઠેર IELTSના બેનર લાગ્યા હતા. ત્યારબાદ એનિમેશન ડિપાર્ટમેન્ટ ખાનગી કન્સલ્ટન્સી દ્વારા IELTSના કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીમાં આવેલા અટલ ઇનોવેશન સેન્ટરમાં પણ 2 ખાનગી કંપનીને ઓફિસ ભાડે આપવામાં આવી છે. આ તમામ અંગે યુનિવર્સિટીએ MOU કર્યા છે. આ અંગે NSUIના નેતા ભાવિક સોલંકીએ જણાવ્યું હતું કે, સરકારી યુનિવર્સિટીનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે. એક બાદ એક MOU થતા જાય છે અને યુનિવર્સિટીમાં ખાનગી કંપનીઓની એન્ટ્રી થઈ રહી છે. જેને લઈને અમે વિરોધ કર્યો છે અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. જો આ MOU રદ નહીં થાય તો આગામી સમયમાં યુનિવર્સિટીનું ખાનગીકરણ રોકવા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે માટે અનેક બિલ્ડિંગો, ભવનો બનાવવામાં આવ્યા છે. પરંતુ યુનિ.ના સત્તાધિશોની વેપારી વૃતિને કારણે યુનિની સેવાઓનું પણ ખાનગીકરણ થઈ રહ્યું છે. હવે તો પ્રવેશની ઓનલાઈન કાર્યવાહીનો પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. યુનિ. બિલ્ડિંગોની રખેવાળી માટે પણ ખાનગી સિક્યુરિટી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.