સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન મ્યુનિ.એ બિલ્ડરોને પધરાવતા દેતા NSUIએ કર્યો વિરોધ, 20ની અટકાયત
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1,542 ચોરસ મીટર કરોડો રૂપિયાની કિંમતી જમીન મ્યુનિ. કોર્પોરેશને બિલ્ડરોને પધરાવી દેતા વિવાદ ઊભો થયો છે. આ મામલે યુનિવર્સિટી દ્વારા મ્યુનિ. કોર્પોરેશનને અત્યાર સુધીમાં 10 વખત પત્ર લખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધીમાં કોઈ જવાબ મળ્યો નથી. આથી આ મામલે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈના કાર્યકરોએ મ્યુનિ.કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા હતા. એમાં કાર્યકરો મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપ-પ્રમુખ બન્યા હતા, સાથે પાર્ટીફંડ મળ્યા બાદ મ્યુનિમાં ફાઈલ પાસ થઈ જતી હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નકલી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, જોકે આ વખતે ત્યાં હાજર પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા હાલ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલવાસ ભોગવી રહ્યા છે. તેનું વધુ એક કારસ્તાન પ્રકાશમાં આવ્યુ છે. શહેરના યુનિવર્સિટી રોડ પર રૈયા સર્વે નંબરમાં આવેલી 1,542 ચોરસ મીટર જમીન મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ કર્યા વિના બિલ્ડરને પધરાવી દેતા વિવાદ ઊબો થયો છે. આ અંગે કુલપતિએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન અમારી જાણ બહાર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઉપયોગ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આરએમસીને 10 વખત પત્ર લખવામાં આવ્યો છે. જમીન પરત મેળવવા માટે ચાલુ માસમાં 10 જુલાઈએ પત્ર લખ્યા બાદ હજુ સુધી જવાબ મળ્યો નથી. મ્યુનિ. કોર્પોરેશનમાંથી જવાબ આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી બાબતે નિર્ણય લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે વર્ષ 2021માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બાબતે વિવાદ થયો હતો. એ જમીન બાબતે મ્યુનિ. કોર્પોરેશન અને સરકારને અત્યારસુધીમાં 10થી વધુ વખત પત્રો લખ્યા છે. ચાલુ માસે જ મ્યુનિ. કોર્પોરેશનને પત્ર લખવામાં આવ્યો છે. અમારા કબજાની જમીન જે છે એ કોર્પોરેશનમાં જતી રહી છે. 1542 ચોરસ મીટર જમીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ કર્યા વિના કોર્પોરેશન દ્વારા બિલ્ડરને સોંપી દેવામાં આવી છે. અમારી જાણ મુજબ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા TP સ્કીમ હેઠળ આ જમીનનો કબજો લેવામાં આવ્યો છે, જોકે આ જમીન ટીપી સ્કીમમાં આવતી નથી એ બાબતે સરકારને પણ રજૂઆત કરી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાંથી પણ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનનું માર્ગદર્શન મેળવવા માટેનું કહેવામાં આવ્યું છે, જેથી અમે મ્યુનિ. કોર્પોરેશનને પત્ર લખેલો છે, પરંતુ તેમના તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. અમારા ડોક્યુમેન્ટ મુજબ વર્ષ 1968થી એ જમીન અમારી છે. લેન્ડ ગ્રેબિંગ અંગે પણ ફરિયાદ કરેલી છે, પરંતુ લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ જમીન પચાવી પાડી એવું થતું નથી, કારણ કે આ ડીલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મ્યુનિ. કોર્પોરેશન વચ્ચે થઈ છે. આરએમસીમાંથી જવાબ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરો મ્યુનિની કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં પહેલેથી પોલીસ હાજર હતી. દરમિયાન કાર્યકરો મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ટાઉન પ્લાનિંગ ઓફિસર અને શહેર ભાજપ-પ્રમુખ બન્યા હતા, જેમાં શહેર ભાજપ- પ્રમુખ પાસે બિલ્ડર બનેલો કાર્યકર પહોંચ્યો હતો અને નકલી ચલણી નોટો આપવામાં આવી હતી. શહેર ભાજપ-પ્રમુખ બનેલા કાર્યકરે મ્યુનિસિપલ કમિશનર સહિતનાને કહ્યું હતું કે બિલ્ડરની ફાઈલ પાસ કરી દો, પાર્ટીફંડ આવી ગયું છે. આ સમયે પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી હતી.