ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં તૂટી ગયેલા રોડને મુદ્દે NSUIએ પાટાપિંડી બાંધીને કર્યો વિરોધ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં આંબેડકર યુનિ. પીઆરએલ, ગુજરાત યુનિ.પોલીસ સ્ટેશન અને ત્યાંથી એલડી આર્ટ કોલેજ તરફ જતો રોડ છેલ્લાં ઘણા મહિનાથી અત્યંત બિસ્માર બની ગયો છે. રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે. આ બિસ્માર રોડને કારણે અવાર-નવાર અકસ્માતોના બનાવો બની રહ્યા છે. મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ યુનિ.વિસ્તાર હોવાથી પોતાની હદ નથી તેમ કહીને હાથ અદ્ધર કરી દીધા છે. જ્યારે યુનિવર્સિટીના સત્તાધિશોને પણ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરીને પ્રશ્નનો નિવેડો લાવવામાં કોઈ રસ નથી. આ સંદર્ભે અગાઉ પણ અનેક વખત રજુઆતો કરવામાં આવી હતી. દરમિયાન એમએસયુઆઈના વિદ્યાર્થીઓએ પાટાપિંડી બાંધીને યુનિ. સામે વિરોધ કર્યો હતો. આ રોડ પર અકસ્માતો વધી રહ્યા છે અને વિદ્યાર્થીઓ જ તેનો ભોગ બની રહ્યા છે. ત્યારે યુનિ.ના સત્તાધિશોનું ધ્યાન કેન્દ્રિત કરવા વિદ્યાર્થીઓએ પાટાપિડીં સાથે દેખાવો કર્યા હતા.
ગુજરાત યુનિવર્સિટી પાસે તૂટેલા રોડ રસ્તા તેમજ હોસ્ટેલમાં એડમિશન, સેનેટ- વેલફેરની ચૂંટણી સહિતના મુદ્દે NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ વ્હીલર ચેર પર બેસીને માથાં પર પાટા બાંધીને વિરોધ કર્યો હતો. યુનિવર્સિટીની ઝાળી તોડવાનો પણ NSUI દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટી બહાર રોડ રસ્તા કેટલાય સમયથી તૂટેલા છે, હોસ્ટેલમાં હજુ એડમિશન શરૂ થયા નથી તથા સેનેટ- વેલફેરનું ઇલેક્શન થયું નથી જેને લઈને NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના આગેવાનો તથા કાર્યકરોએ સાથે મળીને યુનિવર્સિટી ટાવર પાસે વિરોધ કર્યો હતો. કાર્યકરો હાથે પગે તથા માથા પર પાટા બાંધીને આવ્યા હતા. તો કેટલાક કાર્યકરો વ્હીલચેર પર બેસીને વિરોધ કરી રહ્યા હતા. યુનિના પ્રથમ ફ્લોર પર કૂલપતિની ઓફિસ આવેલી છે. ત્યાં વિદ્યાથીઓ પ્રવેશી ન શકે તે માટે ઝાળી બંધ કરવામાં આવી હતી, જેથી જાળી ખેંચીને તોડવા પણ NSUIએ પ્રયત્ન કર્યો હતો. દરમિયાન NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં આજે રજુઆત કરવા આવ્યા છીએ. અકસ્માત થાય અથવા ગંભીર ઇજા થાય તો જવાબદારી કોની રહેશે. તાત્કાલિક માંગણીઓ પૂરી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.