અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહીકાંડ મામલે પોલીસે અઢી મહિના બાદ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ ત્રણ વર્ષથી વિદ્યાર્થીઓને પાસ કરાવવાના કાંડ કરતા હોવાની આરોપીઓએ કબુલાત કરી છે. હાલ આ બનાવની પોલીસ તપાસ ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈએ એવો આક્ષેપ કર્યો છે. કે, આ બનાવમાં મોટા માથા સંડોવાયેલા હોવા છતાંયે યુનિ.ના સત્તાધિશો આખૂંયે પ્રકરણ ભીનું સંકેલી દેવાના પ્રયાસો કરી રહ્યા છે. ઉત્તરવહી કૌભાંડના મામલે અન્ય કર્મચારીઓ તેમજ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવતા નથી. આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા યુનિ.ના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપીને યુનિ.કેમ્પસમાં દેખાવો કર્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહીકાંડના અઢી મહિના બાદ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની તપાસમાં એવી હકિકત પ્રકાશમાં આવી છે. કે, કૌભાંડકારીઓ છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ ચલાવી રહ્યા હતા. ત્યારે એનએસયુઆઈએ એવો આક્ષેપ કર્યો છે. કે, આ કેસમાં ભીનું સંકેલવામાં આવી રહ્યું છે. ઉત્તરવહી કૌભાંડમાં મોટા માથાઓ સંડોવાયેલા હોવા છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. યુનિવર્સિટીએ જવાબદાર લોકો સામે પણ કોઈ કાર્યવાહી કરી નથી.
આ અંગે Nએમએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ BJP અને ABVP સાથે જોડાયેલા છે. જેથી ભીનું સંકેલવામાં આવી રહ્યું છે. છેલ્લા 3 વર્ષથી કૌભાંડ ચાલી રહ્યું છે. જેથી યુનિવર્સિટી દ્વારા તપાસ કરવી જોઇએ અને જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ. આ માત્ર બે લોકોનું કૌભાંડ નથી, પરંતુ બધાની મિલીભગત છે. જે વિદ્યાર્થીઓ કૌભાંડથી પાસ થયા છે તેમને પણ સજા થવી જોઈએ. NSUIના કાર્યકરોએ રજિસ્ટ્રારને આ અંગે રજૂઆત પણ કરી હતી.