અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હવે રોજબરોજની કામગીરીનું પણ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ડીગ્રી વેરિફિકેશન, માઈગ્રેશન તથા માર્કશીટ વેરિફિકેશન સહિતની કામગીરી ખાનગી એજન્સીને સોંપાતા જેનો NSUI દ્વારા શરૂઆતથી વિરોધ કરવામાં આવી છે. ત્યારે ગઈકાલે પણ NSUIએ વિરોધ કરીને યુનિવર્સિટીમાં તાળાબંધી કરી હતી. જ્યારે આજે કુલપતિ આવતા જ તેમની પર નકલી નોટોનો વરસાદ કર્યો હતો. કુલપતિને ઉપર જતા અટકાવ્યા હતા, ત્યારબાદ પોલીસની મદદથી કુલપતિ તેમની ઓફિસ સુધી પહોંચી શક્યા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડીગ્રી વેરિફિકેશન, માઈગ્રેશન તથા માર્કશીટ વેરિફિકેશન સહિતની કામગીરીનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે. તેનો વિરોધ હોવા છતાં ખાનગી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. દરમિયાન ખાનગી એજન્સી દ્વારા વધુ પૈસા લઈને સમયસર કામ કરવામાં આવતું ન હોવાનો NSUIનો આક્ષેપ છે. પોતાના માળતીયાઓને સિન્ડિકેટ સભ્યોએ કામ અપાવ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અને તે માટે NSUI દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઇકાલે યુનિ.માં તાળાંબંધી બાદ આજે ફરીથી NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. 100થી વધુ કાર્યકરોએ યુનિવર્સિટી ટાવરમાં નારાબાજી કરી હતી. દરમિયાન કુલપતિ હિમાંશુ પંડ્યા યુનિવર્સિટી ટાવર પહોંચતા NSUIના કાર્યકરોએ તેમને ઘેરી લીધા હતા. કુલપતિ આવતા જ દલાલ VCના નારા સાથે કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. સીડીમાં ચઢેલા કુલપતિએ સિડી પરથી નીચે ઉતરવું પડ્યું હતું. અંતે પોલીસની મદદથી કોર્ડન કરીને કુલપતિને યુનિવર્સિટીની અંદર લઈ જવામાં આવ્યા હતા.
NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, અગાઉ નજીવા દરે વેરિફિકેશન કામ થતું જ હતું પરંતુ ખાનગી એજન્સીને કામ સોંપીને વિદ્યાર્થીઓને લૂંટવામાં આવી રહ્યા છે. તેથી અમે આજે નકલી નોટો કુલપતિ ઉપર ઉડાવી વિરોધ કર્યો છે. ખાનગી એજન્સીને કામ સોંપ્યું છે તેમાં સિન્ડિકેટ સભ્યો અને કુલપતિનો ભાગ છે, ના હોય તો એજન્સી પાસેથી કામ લઈ લેવું જોઈએ. ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી તથા માર્કશીટ વેરિફિકશનથી લઈને પ્રોવિઝનલ સર્ટિફિકેટનું કામ ખાનગી કંપનીને સોંપવાનો ઠરાવ કરાયો હતો. પરંતુ તેમાં ચોંકાવનારી વાત એ હતી કે, તે બધા સર્ટિફિકેટના ચાર્જિસમાં 500થી 1000% સુધીનો વધારો ઝીંકી દેવાયો હતો.