ભારતમાં વર્ષ 2023-24 સુધીમાં વિમાનમથકોની સંખ્યા 200ને પાર થશેઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી
દિલ્હીઃ કેન્દ્ર સરકાર 2023-24 સુધીમાં વિમાનમથકોની સંખ્યા 200ને પાર કરવા કટીબદ્ધ છે, તેમજ રાજ્યો સાથે મળીને દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક હેલિપોર્ટ સ્થાપવા પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત કરવા માટે તમામ હિતધારકો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગ અને સમર્થન માટે હાકલ કરી છે.
નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિક ઉડ્ડયન મંત્રીઓની પરિષદને સંબોધતાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે આ ક્ષેત્ર દેશના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપે છે પરંતુ કોરોનાના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત છે. તેમણે કહ્યું કે સામૂહિક પ્રયાસોથી અમે વધુ સારી મુસાફર સુવિધાઓ પૂરી પાડવા માટે કામ કરી શકીએ છીએ અને નાગરિક ઉડ્ડયનના વિસ્તરણ અને વિકેન્દ્રીકરણ માટે પ્રયત્ન કરી શકીએ છીએ.
કેન્દ્રીય મંત્રીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર તરફથી સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી અને કહ્યું કે સરકારે એરલાઈન્સ, એરપોર્ટ, ફ્લાઈંગ ટ્રેઈનિંગ સ્કૂલ, કાર્ગો, ગ્રાઉન્ડ હેન્ડલર્સ, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ જેવા પેટા ક્ષેત્રોની વિશાળ શ્રેણીને આવરી લેતા નવ સલાહકાર જૂથોની સ્થાપના કરી છે અને તેમની બેઠકો સારા પરિણામો લાવી રહી છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઉડ્ડયન બળતણ પર વેટ ઘટાડવાની પણ અપીલ કરી કારણ કે તે વિમાનોના સંચાલન ખર્ચમાં મુખ્ય છે. જેમણે દરોમાં ધરખમ ઘટાડો કર્યો છે એમનો તેમણે આભાર માન્યો. જમીન ફાળવણીના મુદ્દાઓનો ઝડપથી નિકાલ લાવવા અને નવા વિમાનમથકોની સુવિધા આપવા પણ આહ્વાન કર્યું હતું.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સરકાર 2023-24 સુધીમાં વિમાનમથકોની સંખ્યા 200 ને પાર કરવા કટીબદ્ધ છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે મળીને દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક હેલિપોર્ટ સ્થાપવા પર તેમણે ભાર મૂક્યો હતો. સી પ્લેનના મુદ્દે મંત્રીએ કહ્યું કે રાજ્યોએ આ પહેલ માટે મૂડી સહાય પૂરી પાડવી જોઈએ. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વીરેન્દ્ર કુમાર અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વી.કે. સિંહે પણ ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું.