Site icon Revoi.in

ગુજરાતમાં મોબાઈલ વપરાશકારોની સંખ્યામાં 13.6 લાખનો ઘટાડો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ઓનલાઈન એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પગલે મોબાઈલ કનેકશનમાં વધારો થયો છે. જો કે, કોરોના મહામારીને પગલે લોકોની આવકને પણ ભારે અસર પડી છે. જેની અસર હવે મોબાઈલ સબસ્ક્રાઈબર પર પણ જોવા મળી રહી છે.   ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના (TRAI) લેટેસ્ટ ટેલિકોમ સબસ્ક્રિપ્શન રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં સપ્ટેમ્બરમાં મોબાઈલ સબ્સ્ક્રાઈબર્સમાં 13.6 લાખ જેટલો ધરખમ ઘટાડો થયો હતો.

ગુજરાતમાં ઓગસ્ટમાં કુલ મોબાઈલ સબ્સ્ક્રાઈબર 7 કરોડ હતા જે સપ્ટેમ્બરમાં ઘટીને 6.8 કરોડ થયા હતા. કોરોના મહામારીની બીજી લહેર આસપાસ લોકોની નબળી ખર્ચ ક્ષમતાને આ ઘટાડા માટે કારણભૂત માનવામાં આવી રહી છે. જેના કારણે મોબાઈલ કનેક્શન રદ કરવામાં આવ્યા હતા અથવા રિચાર્જ થયા નહોતા. સતત બિલની ચૂકવણી ન કરવાની અથવા કનેક્શન રિચાર્જ ન કરવાની અસર બે-ત્રણ મહિના પછી સપ્ટેમ્બરમાં જોવા મળી હતી, જ્યારે કનેક્શન ઈનએક્ટિવ થયા હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગની ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. TRAIના ડેટા પ્રમાણે, દેશભરના ગ્રામીણ મોબાઈલ સબ્સ્ક્રાઈબરની સરખામણીમાં શહેરી સબ્સ્ક્રાઈબરની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ગુજરાત માટે ચોક્કસ ડેટા ઉપલબ્ધ નથી. સબ્સ્ક્રાઈબરની સંખ્યામાં ઘટાડો થવાની સાથે, ગુજરાતમાં ટેલિ-ડેન્સિટી ઓગસ્ટમાં 99.62 ટકાથી ઘટીને 97.6 ટકા થઈ ગઈ હતી.

આ વર્ષના જુલાઈ મહિનામાં ટેલિ-ડેન્સિટી 100.17 ટકાને સ્પર્શી ગઈ હતી, જે ફરી એકવાર ઘટતા સબ્સ્ક્રાઈબર સાથે ઘટવા લાગી હતી. TRAIના ડેટા પ્રમાણે, ગુજરાતમાં જૂનમાં મોબાઈલ સબ્સ્ક્રાઈબરે 7 કરોડનો આંકડો પાર કર્યો હતો. તેનો અર્થ એ થયો કે, રાજ્યમાં સબ્સ્ક્રાઈબરમાં વધારો થયાના માંડ બે મહિના પછી, મોબાઈલ કનેક્શન રદ થવા લાગ્યા હતા.